09 October, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરિયાણા અને જમ્મુ ઍન્ડ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીનાં રિઝલ્ટ આવી ગયાં છે અને નવરાત્રિ પૂરી થવામાં છે ત્યારે મુંબઈમાં મંત્રાલયમાં ફાઇલ ક્લિયર કરવાની હિલચાલમાં વધારો થયો છે. આથી આવતા રવિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ શકે છે.
સૂત્રો મુજબ મંત્રાલયના અધિકારીઓને રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયોની ફાઇલ પર ઝડપથી સહી કરવાનું કહેવામાં આવ્યું છે. આથી વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એ પહેલાં બધી ફાઇલ ક્લિયર કરવા માટે અધિકારીઓ કામે લાગ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા બન્ને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત રાજ્ય સરકારના કૅબિનેટ પ્રધાનોએ તમામ વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
શનિવારે દશેરાએ રાજ્યમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેના, ભારતીય જનતા પાર્ટીનાં નેતા પંકજા મુંડે અને મનોજ જરાંગે પાટીલે સભાનું આયોજન કર્યું છે. આ સભાઓ પૂરી થયાના બીજા દિવસે ઇલેક્શન કમિશન મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી જાહેર કરી શકે છે.