27 October, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવાબ મલિક
ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ રાખનારા આરોપી નવાબ મલિકને કોઈ પણ ભોગે ઉમેદવારી ન આપવાનું વલણ અપનાવ્યું છે. BJPના વિરોધને પગલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) દ્વારા નવાબ મલિકને બદલે તેમની પુત્રી સના મલિકને અણુશક્તિનગર બેઠકની ઉમેદવારી આપવામાં આવી છે. જોકે નવાબ મલિક આટલાથી સંતુષ્ટ નથી એટલે તેમણે કોઈ પણ ભોગે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હોવાનું જાણ્યા બાદ NCPના વરિષ્ઠ નેતા અજિત પવાર, છગન ભુજબળ અને પ્રફુલ પટેલે ગઈ કાલે નવાબ મલિક સાથે બેઠક કરીને તેમને ચૂંટણી ન લડવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નવાબ મલિકે વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠક બાદ કહ્યું હતું કે ‘હું ચૂંટણી લડીશ, લડીશ અને લડીશ જ. માનખુર્દ-શિવાજીનગર બેઠક પરથી હું ૨૯ ઑક્ટોબરે ઉમેદવારી ફૉર્મ ભરીશ.’