બોરીવલીમાં બળવો

29 October, 2024 11:20 AM IST  |  Mumbai | Viral Shah

BJPએ વિલે પાર્લેના સંજય ઉપાધ્યાયને ટિકિટ આપી એટલે ગોપાલ શેટ્ટીએ અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી, તેમને ઉદ્ધવ ઠાકરેની શિવસેના તરફથી પણ ઑફર : બીજી બાજુ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક શિવા શેટ્ટી પણ આજે ઉદ્ધવસેનામાંથી ફૉર્મ ભરવાની કરી રહ્યા છે તૈયારી

BJPએ ટિકિટ નકાર્યા બાદ ગઈ કાલે પોયસર જિમખાનાની બહાર ભેગા થયેલા કાર્યકર્તાઓને સંબોધી રહેલા ગોપાલ શેટ્ટી (તસવીરો : નિમેશ દવે)

ઘણી રાહ જોવડાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ ગઈ કાલે બોરીવલીની બેઠક પર બધાની ધારણા અને ગણતરીથી વિપરીત મહારાષ્ટ્ર BJPના સેક્રેટરી સંજય ઉપાધ્યાયના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે તેમના નામની જાહેરાત થવાની સાથે જ બોરીવલી વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ હતી.

આ બેઠક પર BJP પાસેથી હાલના વિધાનસભ્ય સુનીલ રાણે અને ઉત્તર મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય તેમ જ બોરીવલીના ભૂતપૂર્વ વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ પણ ટિકિટ માગી હતી, પણ પાર્ટીએ વિલે પાર્લેમાં રહેતા સંજય ઉપાધ્યાયના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આને લીધે ગોપાલ શેટ્ટી નારાજ થઈ ગયા હતા અને તેમણે પોતાની સાથે અન્યાય થયો હોવાનું કહ્યું હતું એટલું જ નહીં, પોતે બોરીવલીથી ચૂંટણી લડવા માટે આજે ફૉર્મ ભરશે એવી જાહેરાત પણ તેમણે કરી હતી. ગઈ કાલે સાંજે કાંદિવલી-વેસ્ટમાં પોઇસર જિમખાનાની સામે આવેલા ગોપાલ શેટ્ટીના ઘરે તેમના કાર્યકરો ભેગા થયા હતા. તેમને સંબોધ્યા બાદ ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાર્ટીએ આ ખોટો નિર્ણય લીધો છે. આ ચોથી ચૂંટણી છે જ્યારે પાર્ટીએ બોરીવલીમાં બહારનો ઉમેદવાર આપ્યો છે. આ પહેલાં વિધાનસભામાં વિનોદ તાવડે, સુનીલ રાણે, લોકસભામાં પીયૂષ ગોયલ અને હવે સંજય ઉપાધ્યાયને ઉમેદવારી આપીને બોરીવલીના લોકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને આ જ કારણસર બોરીવલીના સન્માન માટે હું ચૂંટણી લડી રહ્યો છું. હું BJP છોડીને બીજી કોઈ પાર્ટીમાંથી ઇલેક્શન નથી લડવાનો. હું અપક્ષ તરીકે ફૉર્મ ભરવાનો છું, પણ BJPની વિચારધારા ક્યારેય નથી છોડવાનો.’

ગોપાલ શેટ્ટીએ આજે સવારે ૧૦ વાગ્યે પોઇસર જિમખાના પર ભેગા થવાનું કાર્યકરોને આહ્‍‍વાન કર્યું છે અને ત્યાંથી તેઓ ફૉર્મ ભરવા જવાના છે. બીજી બાજુ, એક સમયે કૉન્ગ્રેસના નગરસેવક શિવા શેટ્ટીએ પણ બોરીવલીથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવવાની તૈયારી કરી લીધી છે. તેઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાંથી ઇલેક્શન લડવાનો દાવો કરી રહ્યા છે. આ બાબતે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)માંથી ચૂંટણી લડવાનો છું. તમને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાંથી કન્ફર્મેશન મળી ગયું છે કે કેમ એવું પૂછતાં તેમણે હામાં જવાબ આપ્યો હતો. જોકે એનાથી વિપરીત વાત કરતાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિધાન પરિષદના સભ્ય અને વિભાગ પ્રમુખ વિલાસ પોતનીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાર્ટીએ હજી શિવા શેટ્ટીને ટિકિટ નથી ફાળવી. અમે ગોપાલ શેટ્ટીને ઑફર આપી છે અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.’

જો ગોપાલ શેટ્ટી તમારી ઑફર નહીં સ્વીકારે તો તમે શિવા શેટ્ટીને ટિકિટ આપશો? એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘એવું નથી. અમારી પાસે બીજા બે પર્યાય પણ છે, પણ એ નામ અત્યારે જાહેર કરવા યોગ્ય ન કહેવાય.’

એક શક્યતા એવી પણ છે કે મહા વિકાસ આઘાડી આ બેઠક પર કોઈ ઉમેદવાર ન આપીને અપક્ષ ચૂંટણી લડવા જઈ રહેલા ગોપાલ શેટ્ટીને સમર્થન આપે. આ બધા ડેવલપમેન્ટ જોતાં BJPનો ગઢ ગણાતી આ બેઠક પર જોરદાર રાજકીય ઘમસાણ જોવા મળે એવી ભારોભાર શક્યતા દેખાઈ રહી છે.

maharashtra assembly election 2024 Gopal Shetty bharatiya janata party uddhav thackeray shiv sena mumbai mumbai news maharashtra news borivali vile parle