ઉદ્ધવ અને રાજ વચ્ચે ઠાકરે યુતિ થશે?

19 October, 2024 06:55 AM IST  |  Mumbai | Dharmendra Jore

આદિત્ય ઉદ્ધવ ઠાકરે સામે MNS અને અમિત રાજ ઠાકરે સામે શિવસેના (UBT) ઉમેદવાર ઊભો નહીં રાખે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચા

ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે

આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઘણા રાજકીય પરિવારના સભ્યો એકબીજાની સામે ચૂંટણી લડે એવી શક્યતા છે, પણ આવા સમયે ઠાકરે પરિવાર એકબીજા પ્રત્યે સદ્‌ભાવના દાખવી વણસેલા કૌટુંબિક સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશે એમ જાણવા મળે છે.

વરલી અને માહિમ એ બે વિધાનસભા મતદાર ક્ષેત્ર છે જ્યાં ઠાકરે પરિવારની આગામી પેઢીના વારસદારો ચૂંટણી લડી શકે એમ છે. ગયા વખતે આદિત્ય ઠાકરે વરલી વિધાસભા બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ તેની સામે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. આ બેઠક પર અવિભાજિત શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની યુતિના ઉમેદવાર તરીકે આદિત્ય ઠાકરે મોટી બહુમતીથી અવિભાજિત નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા હતા.

અમિત ઠાકરે મેદાનમાં આવશે
રાજ ઠાકરેને તેમની પાર્ટીના સમર્થકો જણાવી રહ્યા છે કે માહિમથી તેમના પુત્ર અને MNSના યુથ વિંગના પ્રેસિડન્ટ અમિત રાજ ઠાકરેને મેદાનમાં ઉતારવામાં આવે. જો અમિત ઠાકરે અહીંથી ચૂંટણી લડશે તો શિવસેના (UBT) આ બેઠક પર કોઈને મેદાનમાં નહીં ઉતારે, કારણ કે મહા વિકાસ આઘાડીની સીટ-શૅરિંગમાં આ બેઠક ઉદ્ધવ ઠાકરેને મળી છે. આની સામે MNS પણ આદિત્ય ઠાકરે સામે વરલીમાં કોઈને મેદાનમાં નહીં ઉતારે.

વણસેલા સંબંધો સુધરશે
જો આદિત્ય ઠાકરે અને અમિત ઠાકરે સામે તેઓ પોતાના ઉમેદવારો ઊભા ન રાખે તો ઠાકરે પરિવારના વણસેલા સંબંધો સુધરે એવી આશા રાખી શકાશે. જોકે હજી એ નક્કી નથી કે રાજ ઠાકરે તેમના પુત્રને ચૂંટણીમાં ઊભા રહેવાની પરવાનગી આપશે, કારણ કે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે ક્યારે પણ ચૂંટણીના મેદાનમાં ઊતર્યા નહોતા અને તેમના પરિવારને પણ ક્યારે ચૂંટણીમાં ઊભા રહેવા દીધા નહોતા. તેઓ કિંગમેકર હતા. રાજ ઠાકરે પણ ચૂંટણી લડ્યા નથી, પણ તેમના કાર્યકરોને જ વિધાનસભા અને સુધરાઈમાં ઉતાર્યા છે. જોકે ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેએ આદિત્ય ઠાકરેને વરલીથી ઊભા રાખીને ચૂંટણી-પૉલિટિક્સમાં પ્રવેશ કર્યો હતો. 

સત્તામાં આવવા મત આપો
રાજ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે તેમને સત્તામાં આવવા માટે મત આપો. આ ચૂંટણીમાં MNS કોઈ ગઠબંધનની સાથીદાર નથી. જોકે લોકસભાની ચૂંટણીમાં એણે મહાયુતિને ટેકો આપ્યો હતો. ૨૦૦૯માં MNSએ એકલા હાથે ચૂંટણી લડી હતી અને એના ૧૩ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. જોકે હાલની વિધાનસભામાં તેમનો માત્ર એક જ વિધાનસભ્ય છે. રાજ ઠાકરેની ઇચ્છા છે કે તેમના ચૂંટાયેલા વિધાનસભ્યોની સંખ્યા વધે જેથી તેઓ સત્તામાં સાથીદાર બની શકે.

માહિમ વિધાનસભા બેઠક
૨૦૦૯માં MNSએ માહિમ બેઠક જીતી લીધી હતી, પણ ૨૦૧૪ અને ૨૦૧૯માં તેમનો ઉમેદવાર બીજા સ્થાને રહ્યો હતો. આ બે ચૂંટણીમાં અનડિવાઇડેડ શિવસેનાના ઉમેદવાર સદા સરવણકર ચૂંટાઈ આવ્યા હતા. હાલમાં સદા સરવણકર શિવસેના (શિંદે) સાથે જોડાયેલા છે.

ઠાકરે પરિવારે ચાખ્યો સત્તાનો સ્વાદ
૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનનારા પહેલા ઠાકરે પરિવારના સભ્ય હતા. તેઓ પછી વિધાન પરિષદમાં ચૂંટાઈ આવ્યા હતા. આદિત્ય ઠાકરે વરલીથી જીત્યા હતા અને તેમને પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં અનડિવાઇડેડ શિવસેના અને BJPએ સાથે ચૂંટણી લડી હતી, પણ પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરેએ યુતિ તોડી નાખી હતી અને શરદ પવાર અને કૉન્ગ્રેસની સાથે મળીને સરકાર બનાવી હતી અને પોતે મહા વિકાસ આઘાડી સરકારના મુખ્ય પ્રધાન બન્યા હતા. જોકે એકનાથ શિંદેના વડપણમાં અનડિવાઇડેડ શિવસેનામાં થયેલા બળવા બાદ ૨૦૨૨ના જૂન મહિનામાં ઉદ્ધવ ઠાકરેની સરકાર તૂટી પડી હતી.

mumbai news mumbai maharashtra news maharashtra assembly election 2024 shiv sena maharashtra navnirman sena uddhav thackeray raj thackeray