15 September, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જેપી નડ્ડાની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024)ના બ્યૂગલ વાગી રહ્યા છે એ પહેલા એવા એવા સમાચાર સામે આવી રહે છે જે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ લાવે એવું લાગી રહ્યું છે.
જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર ભાજપ એકમને આપી સલાહ
છેલ્લા ઘણા સમયથી મહાયુતિમાં મતભેદના અહેવાલો આવતા થયા છે, આ જ વિવાદો અને આંતરિક મતભેદો દૂર કરવા માટે મોટા મોટા નેતાઓ પ્રયત્નો કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર ભાજપ એકમને સલાહ આપી હોવાનું સામે આવ્યું છે. તેમણે આ સલાહ આપીને મહાયુતિમાં જે આંતરિક મતભેદ થઈ રહ્યા છે તે દૂર કરવાનું પણ જણાવ્યું હતું. પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર ભાજપને ત્યાં સુધી કહ્યું કે તેણે મોટા ભાઈની ભૂમિકા ભજવવાની જરૂર છે. તાજેતરમાં જ જેપી નડ્ડાએ ભાજપની કોર કમિટી સાથે કરી હતી બેઠક
જેપી નડ્ડાએ મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ કોર કમિટીના સભ્યો સાથે બેઠક કરીને વાતચીત પણ કરી હતી. નામ જાહેર ન કરવાની શરતે પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે નડ્ડાએ વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2024) માટે પડકારો અને તૈયારીઓ વિશે વાત કરી હતી. પાર્ટીના નેતાએ કહ્યું કે નડ્ડાએ તેમને મહાયુતિને વધુ મજબૂત કરવા માટે એક ટીમ તરીકે કામ કરવાની પણ સલાહ આપી હતી.
જાણો છો, શું કહ્યું જેપી નડ્ડાએ?
પ્રાપ્ત અહેવાલો અનુસાર જેપી નડ્ડાએ શિવસેના અને એનસીપી સાથે લઈને જ ચૂંટણી (Maharashtra Assembly Election 2024) લડવાની વાત કરી હતી. આ સાથે જ તેઓએ ભાજપના નેતાઓએ મોટા ભાઈની ભૂમિકા નિભાવવી જોઈએ અને બંને પક્ષોનું ધ્યાન રાખવું જોઈએ એવી પણ સલાહ આપી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોઈપણ પ્રકારના બળવા થાય તે પહેલા પાર્ટીના નેતાઓને વિશ્વાસમાં રાખવાના નિર્દેશ પણ આપીને ચેતવ્યા હોવાની વાત જાણવા મળી રહી છે.
આ દરમિયાન આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, ભાજપ મહારાષ્ટ્ર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શિવ પ્રકાશ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, પંકજા મુંડે, રાવસાહેબ દાનવે પણ જાહર હોવાની વાત સામે આવી છે.
ભાજપ વિધાનસભા ચૂંટણી મહાયુતિ તરીકે લડશે? શું છે સંકેતો?
આમેય ફડણવીસે વારંવાર કહેતા આવ્યા જ છે કે ભાજપ ગઠબંધન સહયોગી શિવસેના અને એનસીપી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. અગાઉ, મુંબઈ મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શિંદે અને અજિત પવારના સભ્યોને પણ મળ્યા હતા. લોકસભા ઇલેક્શનમાં ખરાબ પ્રદર્શન કરનાર ભાજપને પણ સમજાયું કે એનસીપી સાથેનું તેનું જોડાણ સંસદીય ચૂંટણી (Maharashtra Assembly Election 2024)માં નુકસાનકારક સાબિત થયું છે.