12 September, 2024 08:42 AM IST | Mumbai | Sameer Surve
ફાઇલ તસવીર
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સુધરાઈએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના માળખાકીય સુવિધાના વિવિધ પ્રોજક્ટો મંજૂર કર્યા હતા. આ પ્રોજેક્ટમાં વર્સોવા મઢ બ્રિજ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું રિપેરિંગ અને રોડના કૉન્ક્રીટીકરણનાં કામોનો સમાવેશ છે.
જુલાઈના અંતિમ અઠવાડિયામાં વેસ્ટર્ન સબર્બ્સના રોડના કૉન્ક્રીટીકરણના ૪૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. રોડ કૉન્ક્રીટાઇઝેશન પ્રોજેક્ટના બીજા તબક્કાના કામનો પણ આમાં સમાવેશ છે. આ સિવાય જુલાઈ મહિનામાં ઈસ્ટર્ન સબર્બ્સમાં રોડ પર મૅસ્ટિક ઍસ્ફાલ્ટ લગાવવાના ૧૫૦૨ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને પણ મંજૂર કરવામાં આવ્યો હતો. ઑગસ્ટ મહિનાના અંતમાં મુંબઈ શહેરમાં રોડના કૉન્ક્રીટીકરણના ૧૭૩૮ કરોડ રૂપિયાના કામને પણ મંજૂરી અપાઈ હતી. બેથી અઢી વર્ષમાં આ કામ પૂરાં કરવામાં આવશે અને તેથી મુંબઈમાં રોડ પર ખાડા જોવા નહીં મળે.
મુંબઈમાં આશરે ૨૦૫૦ કિલોમીટરના રોડ બાંધવામાં આવ્યા છે. આમાંથી ૧૨૨૪ કિલોમીટરના રોડ કૉન્ક્રીટના બનાવી દેવામાં આવ્યા છે. ૩૦૯ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના બનાવવાનું કામ ચાલે છે અને બીજા ૩૦૯ કિલોમીટરના રોડને કૉન્ક્રીટના કરવાનું કામ ઑક્ટોબર મહિનાથી શરૂ કરી દેવામાં આવશે.
સુધરાઈના એક અધિકારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે ‘મૉન્સૂનમાં કામ બંધ હોય છે, પણ ઑક્ટોબરથી કામ શરૂ થતાં હોવાથી જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ઘણાં કામના પ્રોજેક્ટને મંજૂરી અપાતી હોય છે. વિધાનસભાની ચૂંટણી માટે આચારસંહિતા ગમે ત્યારે લાગુ પડે એવી સ્થિતિ હોવાથી આ વખતે વધારે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે. કામ મંજૂર થયાં હોય તો આચારસંહિતા સમયે પણ એને ચાલુ કરી શકાય છે. આ કામ માટે મંજૂર કરાયેલી રકમનો આંકડો મોટો લાગતો હશે; પણ આ રકમ એક જ વર્ષમાં વપરાશે નહીં, એ આગામી અઢી વર્ષમાં ખર્ચ કરવામાં આવશે.’
વર્સોવા મઢ વચ્ચે ફ્લાયઓવર બનાવવા માટે ૩૨૪૬ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ ૩૬ મહિનામાં પૂરો કરવામાં આવશે. ૨.૦૬ કિલોમીટરના આ બ્રિજમાં ૬૬ મીટરનો ભાગ કેબલ-સ્ટેય્ડ બ્રિજ રહેશે.
સુધરાઈએ ઈસ્ટર્ન એક્સપ્રેસવે પર ફ્લાયઓવર ૭ને રિપેર કરવાના કામને મંજૂરી આપી છે. આ સિવાય રેલવે ક્રૉસિંગ બ્રિજ પર ઍન્ટિ-ક્રૅશ બૅરિયર્સ લગાવવામાં આવશે. આ માટે સુધરાઈ આશરે ૨૦.૦૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ સિવાય ગ્રાન્ટ રોડ ખાતે બેલાસિસ બ્રિજને પણ સુધરાઈ રિપેર કરશે. આ માટે ૭૭.૪૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.