27 October, 2024 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાને હવે ત્રણ જ દિવસ બાકી છે, પણ હજી સુધી સત્તાધારી મહાયુતિ અને વિરોધ પક્ષોના સંગઠન મહા વિકાસ આઘાડીમાં બેઠકોની સમજૂતી નથી થઈ શકી. આથી કયો પક્ષ કેટલી અને કઈ બેઠક લડશે એ નક્કી નથી થઈ રહ્યું.
BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકમાંથી હવે માત્ર ૮ બેઠક પર નિર્ણય લેવાનો બાકી છે. આથી બધા ઉમેદવારોની યાદી જાહેર નથી કરવામાં આવી. એકાદ દિવસમાં આ બેઠકોની સમજૂતી થઈ ગયા બાદ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે અંધેરી-ઈસ્ટ અને થાણેની મુરબાડ બેઠક માટે શિંદેસેના અને BJP વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે તો અજિત પવાર નવાબ મલિકને કોઈ પણ રીતે ઍડ્જસ્ટ કરવાની જીદ કરી રહ્યા છે, જેનો BJP વિરોધ કરી રહી છે એને કારણે બેઠકોની સમજૂતી થવામાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.