25 October, 2024 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ
તાજેતરમાં હરિયાણા વિધાનસભાની ચૂંટણી થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ત્રીજી વખત સત્તા મેળવી હતી, પરંતુ ઉમેદવારો નકારવામાં આવ્યા બાદ મોટા પ્રમાણમાં બળવો થયો હતો અને તેમણે અપક્ષ ચૂંટણી લડી હતી. આને કારણે BJPના મત તૂટ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા અમિત શાહે મહાયુતિના નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સાથે ત્રણ કલાક બેઠક કરી હતી. એમાં તેમણે સૂચના આપી હતી કે કોઈ પણ ભોગે નારાજ ઉમેદવારોને મનાવી લો, મતોનું વિભાજન રોકો અને મહાયુતિનો જ ચૂંટણીમાં વિજય થાય એ માટેના પ્રયાસ કરો.
અમિત શાહ સાથેની બેઠકમાં BJP અને શિવસેના એમની અત્યારની કેટલીક બેઠકોની અદલાબદલી કરવા ઉપરાંત અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને પણ કેટલીક બેઠક આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હજી પણ સાતથી આઠ બેઠકનું કોકડું ઉકેલાયું નથી એટલે મહાયુતિના વરિષ્ઠ નેતાઓની આજે મુંબઈમાં બેઠક થશે અને એ પછી જ બાકીની બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવશે.