09 October, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બારામતીમાં અજીત પવાર
બારામતી વિધાનસભા બેઠક ૧૯૬૭થી શરદ પવાર પરિવાર પાસે છે અને અજિત પવાર અહીં ૧૯૯૧થી ૨૦૧૯ સુધીની સાત ટર્મથી વિધાનસભ્ય છે. લોકસભાની ચૂંટણીમાં બારામતીમાં શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારને પરાજય આપ્યો હતો. આથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર બારામતીમાંથી ચૂંટણી ન લડે એવી અટકળો વહેતી થઈ છે. અજિત પવાર બારામતીમાંથી ચૂંટણી નહીં લડે એવા સમાચાર મળ્યા બાદ ગઈ કાલે અજિત પવાર બારામતીની મુલાકાતે ગયા હતા ત્યારે તેમના પક્ષ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (BJP)ના કાર્યકરોએ તેમની કારના કાફલાને રોક્યો હતો અને બારામતીમાંથી તેમણે જ ચૂંટણી લડવી પડશે એવો આગ્રહ કર્યો હતો. અજિત પવાર ગઈ કાલે એક કાર્યક્રમ પૂરો કરીને બારામતીના કારભારી ચોક પાસેથી કારમાં પસાર થતા હતા ત્યારે તેમના પક્ષના કાર્યકરોએ તેમને રોક્યા હતા. કાર્યકરોએ અજિત પવારને કહ્યું હતું કે તમે અત્યારે જ ઉમેદવારી જાહેર કરો, તમે નહીં બોલો તો અમે અહીંથી હટીશું નહીં. લગભગ પોણો કલાક સુધી કાર્યકરોએ અજિત પવારને રોકી રાખ્યા હતા. અજિત પવારે તેમની વાત સાંભળી હતી, પણ ઉમેદવારી જાહેર નહોતી કરી. બાદમાં પોલીસે કાર્યકરોને હટાવ્યા હતા એટલે અજિત પવાર આગળ નીકળી ગયા હતા.
આ બનાવ વિશે NCPના વર્કિંગ પ્રેસિડન્ટ પ્રફુલ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘આગામી વિધાનસભાની ચૂંટણીમાં અજિત પવાર જ બારામતીના ઉમેદવાર હશે. તેઓ પોતે ઉમેદવારી જાહેર ન કરે એટલે વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે હું તેમને બારામતીના ઉમેદવાર જાહેર કરું છું.’