29 October, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર જ્યારે ફૉર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે બારામતી વિધાનસભાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. બાદમાં આયોજિત કરવામાં આવેલી જાહેરસભામાં ઇમોશનલ થઈ ગયેલા અજિત પવારે કહ્યું હતું કે ‘મેં લોકસભાની ચૂંટણી લડીને ભૂલ કરી હોવાનું સ્વીકાર્યું છે, પણ પરિવારના લોકો ભૂલ કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. મારો પરિવાર અને મેં બારામતીમાં પહેલા ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું હતું, પણ એ શક્ય ન થયું. પડકાર હોવા છતાં અમે અમારી સ્થિતિ સુધારી છે. મારાં મમ્મી ખૂબ જ સહયોગી છે અને તેમણે સલાહ પણ આપી હતી કે અજિત પવાર સામે કોઈને ઉમેદવારી ન આપવી. જોકે મને કહેવામાં આવ્યું કે સાહેબ (શરદ પવાર)એ કોઈને મારી સામે ચૂંટણી લડવાનું કહ્યું હતું. સાહેબે પરિવારમાં ભાગલા પડાવ્યા. મારું એટલું જ કહેવું છે કે રાજકારણને આટલી હદે નીચું ન લાવવું જોઈએ, કારણ કે પરિવારને જોડવામાં વર્ષો લાગે છે, પણ તૂટી એક ક્ષણમાં જાય છે.’
અજિત પવારે શક્તિ-પ્રદર્શન સાથે, જ્યારે યુગેન્દ્રએ ગણ્યાગાંઠ્યા લોકો સાથે ફૉર્મ ભર્યું
મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા શરદ પવાર અને તેમના ગઢ ગણાતા બારામતીમાંથી તેમનાથી છૂટા પડેલા ભત્રીજા અજિત પવારે ગઈ કાલે ફૉર્મ ભર્યું હતું, જ્યારે તેમના જ ભત્રીજા યુગેન્દ્ર પવારે પણ ફૉર્મ ભર્યું હતું. અજિત પવાર આઠમી વાર વિધાનસભા માટે ઝુકાવી રહ્યા છે, જ્યારે યુગેન્દ્ર પવાર પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે.
અજિત પવાર જ્યારે ફૉર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા, જ્યારે યુગેન્દ્ર પવાર તેમની સાથે ગણ્યાગાંઠ્યા લોકા સાથે શાંતિથી કોઈ પણ ધાંધલધમાલ વગર ફૉર્મ ભરવા ગયા હતા.