13 March, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં બંગલાદેશી અને રોહિંગ્યાઓને બોગસ બર્થ-સર્ટિફિકેટને આધારે પૅન અને આધારકાર્ડ બનાવી આપવામાં આવતાં હોવાની ફરિયાદ મળી રહી છે એને ધ્યાનમાં રાખીને સરકારે બર્થ-સર્ટિફિકેટ બાબતે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જન્મ કે મૃત્યુના એક વર્ષ બાદ બર્થ કે ડેથ-સર્ટિફિકેટ મેળવવા માટેની અરજી કરવા માટે યોગ્ય પુરાવા ન રજૂ કરવા કે ખોટી માહિતી દેનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહારાષ્ટ્રના મહેસૂલપ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘બંગલાદેશી અને રોહિંગ્યા સહિતના લોકોને બોગસ બર્થ-સર્ટિફિકેટ બનાવી આપવામાં આવતાં હોવાની રાજ્યના અનેક જિલ્લામાં ફરિયાદ મળી હતી. આથી આ બાબતને રોકવા માટે બર્થ અને ડેથ-સર્ટિફિકેટ બનાવવા માટેના નિયમ કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈનો જન્મ કે મૃત્યુ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો તેવી વ્યક્તિનું સર્ટિફિકેટ મેળવવા માટે યોગ્ય પુરાવા રજૂ કરવા પડશે. ઉપરાંત સર્ટિફિકેટ મેળવવા માટેની અરજી સાથે વ્યક્તિનો જન્મ જે સ્થળે થયો હોય એ સ્થળની જન્મ કે મૃત્યુની નોંધણી ચકાસવામાં આવશે. ગ્રામસેવક, તહસીલદાર, સંબંધિત વિભાગના અધિકારી અને કલેક્ટરે કઈ રીતે કામ કરવું એ માટેના નવેસરથી નિયમ બનાવવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ કે સંબંધિત અધિકારી બોગસ બર્થ કે ડેથ-સર્ટિફિકેટ બનાવવામાં સંકળાયેલા હોવાનું જણાશે તો તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.’