30 November, 2023 10:00 AM IST | Mumbai | Rohit Parikh
નાશિકના નાફેડ જિલ્લામાં રવિવારે દ્રાક્ષના ગાર્ડનમાં પડેલા વરસાદ અને કરાને લીધે દ્રાક્ષના પાકને નુકસાન થયું હતું.
રવિવારે મહારાષ્ટ્રમાં આવેલા ભારે વરસાદ અને કરાથી પાકને અને ખાસ કરીને દ્રાક્ષ અને કાંદાને વ્યાપક નુકસાન થયું છે. સૌથી વધુ નિફાડ, લાસલગાંવ, ડિંડોરી, ચાંદવડ સહિત ત્રંબકેશ્વર અને પેઠ તાલુકામાં પાકને વરસાદની અસર થઈ હતી. આ બધા જિલ્લાની દ્રાક્ષવાડીઓમાં ૨૦થી ૮૦ દિવસની અંદર દ્રાક્ષના પાકની કાપણી થવાની હતી. દ્રાક્ષ એના વિકાસના છેલ્લા તબક્કામાં હતી ત્યારે જ કમોસમી વરસાદ કરા સાથે પડવાથી દ્રાક્ષનો પાક સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો છે. આ સ્થિતિમાં હવે ડિસેમ્બર મહિનામાં લોકોને દ્રાક્ષ ખાવા નહીં મળે અથવા તો તેમણે હલકી ગુણવત્તાની દ્રાક્ષ મોંઘા ભાવે ખરીદવી પડશે.
એકલા નિફાડ તાલુકામાં દ્રાક્ષની ૬૦,૦૦૦ એકર ખેતીમાંથી વરસાદને કારણે ૩૦ ટકા દ્રાક્ષનો પાક સાવ જ ખલાસ થઈ ગયો છે. આ માહિતી આપતાં ઑલ ઇન્ડિયા ગ્રેપ્સ ગ્રોવર્સ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ અશોક ગાયકવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના નિફાડ, લાસલગાંવ, ડિંડોરી, ચાંદવડ સહિત ત્ર્યંબકેશ્વર અને પેઠ તાલુકામાં વરસાદની સૌથી વધુ અસર થઈ હતી. આ જિલ્લાઓેમાં ૩૦ હજાર એકર વિસ્તારમાં દ્રાક્ષની વાડીઓને નુકસાન થયું છે. એમાં એકલા નિફાડ તાલુકામાં ૬૮૭૦ હેક્ટરમાં નુકસાન નોંધાયું હતું. આ પછી ડિંડોરીમાં ૨૫૩૨ હેક્ટર દ્રાક્ષના બગીચાને અસર થઈ હતી. રવિવારના કમોસમી વરસાદને કારણે કાંદા, દ્રાક્ષ, કેળાં, પપૈયાં અને સંતરાં સૌથી વધુ અસરગ્રસ્ત પાકોમાંના કેટલાક હતા. દ્રાક્ષના કિસ્સામાં ખેડૂતોએ ફળ તૂટવાની જાણ કરી હતી, જ્યારે કાંદાના ખેડૂતોએ તેમના કાપેલા પાકને નુકસાનની જાણ કરી હતી.’
રવિવારે નાશિક જિલ્લામાં ૨૭.૮ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે નંદુરબારમાં ૬૧.૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. પરભણી, નાંદેડ, જાલના, છત્રપતિ સંભાજીનગર અને અન્ય જિલ્લાઓમાં પણ ૬૧ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો હતો. ધુળે, નંદુરબાર, જલગાંવ, અમરાવતી, નાગપુર અહમદનગર, હિંગોલી, જાલના જેવા જિલ્લાઓમાં વરસાદ અને કરાને કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે.
આ માહિતી આપતાં ઑલ ઇન્ડિયા ગ્રેપ્સ ગ્રોવર્સ અસોસિએશનના પ્રમુખ સોપાન કાંચને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિફાડ, ચાંદવડ અને નાશિકના અન્ય તાલુકાઓમાં વ્યાપક નુકસાન નોંધાયું છે. લગભગ બે અઠવાડિયાં પહેલાં સુધી પાક ઉત્તમ સ્થિતિમાં હતો, પરંતુ વરસાદ અને કરા પડવાને કારણે દ્રાક્ષના ઊભા પાકને ખરાબ રીતે અસર થઈ છે. રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન અને રાહત વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પ્રથમ અંદાજ અહેવાલમાં પાકને નુકસાનની વાસ્તવિક મર્યાદા એક લાખ હેક્ટરથી વધુ હોઈ શકે છે. ૧૬ જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી દ્રાક્ષથી લઈને શાકભાજી સુધીના પાકને અસર થઈ છે. નાશિક પછી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો અહમદનગર છે. ત્યાં ૧૫.૩૦૭ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે. એમાં કેળાં અને પપૈયાંના વાવેતરને તેમ જ મકાઈના પાકને મોટું નુકસાન થયું છે.’
દ્રાક્ષ અને અન્ય ફળોના પાકને કમોસમી વરસાદથી થયેલા નુકસાનને કારણે દ્રાક્ષ તો કદાચ ડિસેમ્બર મહિનાના અંત સુધી જોવા મળશે નહીં એવી જાણકારી આપતાં નવી મુંબઈના વાશીમાં આવેલી હોલસેલ ફ્રૂટમાર્કેટના અગ્રણી વેપારી સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે નવો પાક જાન્યુઆરી પછી માર્કેટમાં આવશે. જોકે દ્રાક્ષ અને અન્ય ફળોના પાકને થયેલા નુકસાનને પગલે આ વખતે ઘરાકોએ મોંઘા ભાવે ફ્રૂટ્સ ખરીદવાં પડશે.’