20 November, 2023 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભૂકંપની પ્રતિકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના હિંગોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 હતી. મળતી માહિતી મુજબ સોમવારે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓના આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ મળતી માહિતી મુજબ સોમવારે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હિંગોલીમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર (Maharashtra)ના હિંગોલીમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 5:09 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જ્યારે ધરતી ધ્રૂજી, ત્યારે ઘણા લોકો સૂતા હતા. જેઓ જાગી ગયા હતા તેઓ તેમના પ્રિયજનોને જગાડીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના થોડા સમય બાદ બીજા આંચકા આવ્યા હતા. જેના પછી લોકો ખૂબ જ ભયભીત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાના અનુભવો પણ શૅર કર્યા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર મહારાષ્ટ્ર (Maharashtra)માં ભૂકંપની તીવ્રતા 3.5 નોંધવામાં આવી હતી.
આંદામાન સમુદ્રમાં પણ રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ પહેલા રવિવારે આંદામાન અને નિકોબાર ટાપુઓના આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ આજે સાંજે 7.36 કલાકે 120 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ડોડામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં જ ભૂકંપના આંચકા અનેક સ્થળોએ આવ્યા હતા. મહિનાના પહેલા જ અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાસ્તવમાં નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. તેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળી હતી. નેપાળમાં 3 નવેમ્બરે જોરદાર ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા ખૂબ જ રહી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે નેપાળમાં ભારે તબાહી જોવા મળી હતી. આ ભૂકંપના કારણે નેપાળમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 250 થી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નેપાળના જાજરકોટ અને રુકુમ પશ્ચિમ જિલ્લા હતા. હવે મહારાષ્ટ્ર (Maharashtra)માં ભૂકંપ આવ્યો છે.
ભૂકંપ શા માટે થાય છે?
પૃથ્વીની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટો આવેલી છે. આ પ્લેટો એકબીજાની તરફ આગળ વધતી રહે છે, જ્યારે પણ બે ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઘર્ષણને કારણે ઉર્જા બહાર આવે છે અને તે તરંગોના રૂપમાં પૃથ્વીની સપાટી પર પહોંચે છે. આ કારણે પૃથ્વી પર આંચકા અનુભવાય છે. આ પ્રક્રિયાને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે.