26 September, 2024 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહંત સ્વામી
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજની વર્ષગાંઠની આજે ૯૧મી ગોરેગામ-ઈસ્ટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આવેલા NESCO હૉલ-નંબર ૬માં સાંજે પાંચ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગની સૌથી મોટી વિશેષતા એ છે કે મહંતસ્વામી મુંબઈમાં હાજર હોય અને તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવતી હોય એવો આ પહેલો પ્રસંગ છે એટલે મુંબઈના હરિભક્તો ઉલ્લાસ અને ઉમંગમાં છે. આ પ્રસંગની શરૂઆત ભગવાન સ્વામીનારાયણ અને મહંતસ્વામીના ફક્ત મુંબઈના ૩૦,૦૦૦ હરિભક્તો દ્વારા ૩૦,૦૦૦ દીવડાથી મહાઆરતી કરીને થશે. ત્યાર બાદ તરત જ આ ભક્તો દ્વારા હજારો પુષ્પોની મંત્ર-પુષ્પવૃષ્ટિ કરીને મહંતસ્વામીનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. આ ઉજવણીમાં મુંબઈનાં અલગ-અલગ ઉપનગરોમાંથી પદયાત્રા કરીને આવેલાં અનેક યુવાન હરિભક્તો તથા બાળકો દ્વારા ભજન-કીર્તન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગમાં હાજરી આપવા અમેરિકા, અબુધાબી, યુકે સહિત દેશ-વિદેશમાંથી હરિભક્તો આવ્યા છે.
મહંતસ્વામીનો જન્મ ૧૯૩૩ની ૧૩ સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. BAPS સંસ્થાના અગાઉના વડા પ્રમુખસ્વામી મહારાજ ઑગસ્ટ ૨૦૧૬માં દેવલોક પામ્યા એ પહેલાં તેમણે મહંતસ્વામી મહારાજને તેમના આધ્યાત્મિક અનુગામી અને BAPS સંસ્થાના નેતા તરીકે સ્થાપિત કર્યા હતા. મહંતસ્વામી ભગવાન શ્રી સ્વામીનારાયણ ગુરુપરંપરાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર છે. તેમની પ્રેરણાથી દેશ-વિદેશમાં ૩૫૦ મંદિરો બંધાયાં છે અને ૩૦૦થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી છે.
દહિસરમાં રવિવારે સંપ્રદાય શુદ્ધીકરણ સંમેલન
સંપ્રદાયના બંધારણ અને સિદ્ધાંતની સાથે સનાતન ધર્મના રક્ષણ માટે શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિનું આયોજન
સ્વામીનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓનો પગપેસારો થઈ ગયો છે જેને લીધે સંપ્રદાયની છબિ ખરડાઈ રહી છે એટલે ધર્મને કલંક લગાડનારા લોકોને મહત્ત્વનાં પદ પરથી દૂર કરીને ભગવાન સ્વામીનારાયણે સ્થાપિત કરેલા બંધારણ અને સિદ્ધાંતની સાથે સનાતન ધર્મનું રક્ષણ કરવા માટેની ઝુંબેશ શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે રવિવારે દહિસર-ઈસ્ટમાં અશોકવન ખાતેની હનુમાન ટેકરીમાં આવેલા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં સંપ્રદાય શુદ્ધીકરણ સંમેલન સાંજે ૪થી ૭ વાગ્યા દરમ્યાન રાખવામાં આવ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા મુંબઈની સાથે આસપાસમાં રહેતા હરિભક્તોને મોટી સંખ્યામાં સામેલ થવાનું આહવાન કરવામાં આવ્યું છે.