હું પલાયન થનારો નહીં પણ લડનારો માણસ છું

09 June, 2024 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીથી પાછા આવીને વિધાનસભ્યો અને પદાધિકારીઓની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...

ગઈ કાલે BJPની દાદરની ઑફિસ વસંત સ્મૃતિમાં પહોંચેલા દેવેન્દ્ર ફડણવીસને આવકારતા પક્ષજનો.

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં પરાજય થવા બાબતે ચિંતન કરવા માટે ગઈ કાલે દાદરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યો અને પદાધિકારીઓની બેઠક મળી હતી. એમાં જેમના પર ચૂંટણીમાં મહારાષ્ટ્રની જવાબદારી હતી એ દેવેન્દ્ર ફડણવીસે કબૂલ કર્યું હતું કે વિરોધ પક્ષોએ બંધારણ બાબતે અફવા ફેલાવી હતી એને જનતાએ ગંભીરતાથી લીધી એ સમજવામાં થાપ ખાવાથી ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીએ મહારાષ્ટ્રમાં ઓછી બેઠકો મળી.

મહાયુતિએ ત્રણ નહીં, અફવા નામના ચોથા પક્ષ સામે ચૂંટણી લડી એમ જણાવતાં ફડણવીસે કહ્યું હતું ‘પરાજયથી નાસીપાસ થઈને નહીં પણ રાજ્યમાં પક્ષના સંગઠન પર વધુ ધ્યાન આપી શકું એટલા માટે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. જોકે વરિષ્ઠ નેતાઓેએ કામ ચાલુ રાખવાનું કહ્યું છે એટલે ફરી મહાયુતિનો ઝંડો નહીં ફરકે ત્યાં સુધી જંપીને નહીં બેસું. દેવેન્દ્ર ફડણવીસ પલાયન થનારી નહીં પણ લડનારી વ્યક્તિ છે. મુંબઈ, રાયગડ અને કોંકણમાં ઉદ્ધવ ઠાકરે પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોવાનું મતદાનના આંકડા પરથી જણાઈ આવે છે અને આગામી વિધાનસભામાં મહાયુતિ માત્ર ત્રણ ટકા વધુ મેળવીને ફરી સત્તા મેળવશે.’

દેવેન્દ્ર ફડણવીસે ચિંતન-બેઠકમાં ભૂલો સુધારી લેવાની સાથે પ્રવક્તાઓએ સંભાળીને બોલવાની સલાહ આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે... આ વખતની ચૂંટણીમાં આપણે ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ ૪૧ બેઠક ન મેળવી શક્યા એટલે નવેસરથી રણનીતિ કરવી પડશે. વરસાદ થાય ત્યારે જે વાવ્યું હોય એ જ ઊગે છે એમ આપણે પણ નવેસરથી વાવણી કરવી પડશે.

બધું ગુમાવ્યા બાદ પણ છત્રપતિ શિવાજી મહારાજે બાદમાં તેમના શૌર્યથી જ્વલંત વિજય મેળવ્યો હતો. છત્રપતિ શિવાજી અમારી પ્રેરણા છે એટલે પાછા નહીં પડીએ.  મહારાષ્ટ્રમાં BJPનું નેતૃત્વ હું કરું છું એટલે આ અપયશ માટે હું જ જવાબદાર છું. રાજકીય ગણિત કરવામાં ક્યાંક કાચું કપાયું છે.

મુસ્લિમ સમાજના મત મેળવીને ઉદ્ધવ ઠાકરેએ વિજય મેળવ્યો છે. તેમને જો મરાઠી લોકોની સહાનુભૂતિ હોત તો વરલીમાં ૬૦૦૦ મતની લીડ ન મળે. તેમને કોંકણ, થાણે અને રાયગડમાં એક પણ બેઠક નથી મળી.

માલેગાવમાં મહાયુતિના ઉમેદવાર ૧.૯૪ લાખ મતની લીડથી વિજયી થયા છે એના પરથી ખ્યાલ આવે છે કે તેમને કોણે મતદાન કર્યું છે. BJPએ ૧૧ બેઠક માત્ર પાંચ ટકાના તફાવતથી ગુમાવી છે. મહાવિકાસ આઘાડીને ૩૧ બેઠક મળી છે એ વિધાનસભાની ચૂંટણીમાં રિફ્લેક્ટ થવી જોઈએ. અમને ૭૧ તો તેમને ૭૬ વિધાનસભા બેઠકમાં લીડ છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીને ૪૩.૯ ટકા તો આપણને ૪૩.૬ ટકા મત મળ્યા. એ મુજબ મહાયુતિને ૨.૪૮ કરોડ અને મહાવિકાસ આઘાડીને ૨.૫૦ કરોડ મત મળ્યા છે. માત્ર બે લાખ મતનો જ ફરક છે. મુંબઈમાં વિરોધ પક્ષોને ૨૪ લાખ તો આપણને ૨૬ લાખ મત મળ્યા છે. 

mumbai news mumbai devendra fadnavis bharatiya janata party Lok Sabha Election 2024 maharashtra news