27 March, 2025 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાસ્કર જાધવ, દેવેન્દ્ર ફડણવીસ, રાહુલ નાર્વેકર
ગઈ કાલે રાજ્યનું બજેટ-સેશન પૂરું થઈ ગયું, પણ વિરોધ પક્ષના નેતા વિશે નિર્ણય લેવામાં નહોતો આવ્યો. મહા વિકાસ આઘાડી તરફથી આ પદ માટે ઉદ્ધવસેનાના વિધાનસભ્ય ભાસ્કર જાધવનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ત્રણ અઠવાડિયાં ચાલેલા આ સેશનમાં વિરોધ પક્ષના નેતાનો નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી મહા વિકાસ આઘાડીના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ભાસ્કર જાધવે તો ત્યાં સુધી કહી નાખ્યું હતું કે જો સરકારને મારા નામથી તકલીફ હોય તો હું મારું નામ પાછું ખેંચવા તૈયાર છું, પણ લોકશાહીમાં વિરોધ પક્ષના નેતાની નિમણૂક તો કરવી જ જોઈએ.
આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ વિશેષાધિકાર સ્પીકરનો છે અને સરકાર એમાં દખલ નહીં કરે. વિધાનસભામાં રાહુલ નાર્વેકરે આ બાબતે કહ્યું હતું કે તેઓ ઉતાવળે કોઈ નિર્ણય કરવા નથી માગતા.
કુલ વિધાનસભાની બેઠકોમાંથી જે પાર્ટીને ૧૦ ટકા બેઠક મળી હોય એ પાર્ટીનો વિરોધ પક્ષનો નેતા હોય છે. જોકે ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીની ત્રણેય પાર્ટીમાંથી એક પણ પાર્ટીને રાજ્યની ૨૮૮ બેઠકના ૧૦ ટકા એટલે કે ૨૯ બેઠક નહોતી મળી. મહા વિકાસ આઘાડીની કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પાર્ટીને મળીને માત્ર ૪૬ બેઠકો જ મળી હતી. આ જ કારણસર આ કોકડું ગૂંચવાયેલું છે. વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવી કે નહીં એ સ્પીકર નક્કી કરવાના છે.