28 December, 2022 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદ બાબતે ગઈ કાલે નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં કર્ણાટકનાં ૮૬૫ ગામમાં રહેતા મરાઠીઓને મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટેની વિગતો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેર કરી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે કર્ણાટકમાં સ્વતંત્રતા વખતે સામેલ કરાયેલાં ૮૬૫ ગામની એક-એક ઇંચ જમીન પાછી મેળવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવશે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં રાજ્ય સરકાર મજબૂત રીતે પૂરાવા રજૂ કરશે.
વિધાનસભામાં ગઈ કાલે કર્ણાટક સાથેના સીમા વિવાદ સંબંધિત ઠરાવ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રજૂ કર્યો હતો. તેમણે આ સમયે કહ્યું હતું કે ‘સ્વતંત્રતા બાદ દેશભરમાં ભાષાકીય રીતે રાજ્યો વિભાજિત કરવામાં આવ્યાં ત્યારે મરાઠી ભાષા બોલતાં ૮૬૫ ગામના રહેવાસીઓને કર્ણાટકમાં સામેલ કરવામાં આવ્યા હતા. આટલા સમયથી સીમા વિવાદ ચાલી રહ્યો છે એનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. કર્ણાટકમાં મરાઠી ભાષા બોલનારાનાં ૮૬૫ ગામની એક-એક ઇંચ મહારાષ્ટ્રની છે, જે પાછી લેવામાં આવશે. ૧૯૫૬માં રાજ્યની પુન:રચના થયા બાદ મુંબઈ રાજ્યના બેલગામ (ચંદગડ તાલુકા સિવાય) વિજાપુર, ધારવાડ અને કારવાર વગેરે મરાઠી ભાષિકોનાં ગામોને પહેલાંના વ્હેસૂર રાજ્યમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આથી સીમા વિવાદ ઊભો થયો હતો જે અત્યાર સુધી ચાલી રહ્યો છે. આ મામલે અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર કોર્ટમાં આ ૮૬૫ ગામોને ફરી મહારાષ્ટ્રમાં સામેલ કરવા માટેના તમામ પુરાવા રજૂ કરીને મજબૂત પક્ષ રાખશે.’
અમારી પાસે પણ ભરપૂર બૉમ્બ છે
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે સોમવારે નાગપુરમાં બૉમ્બ ફૂટશે જેમાં રાજ્ય સરકાર હલી જશે. જોકે સોમવારે કે ગઈ કાલે મંગળવારે આવું કંઈ નહોતું થયું. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે બૉમ્બ.. બૉમ્બ... કરી રહ્યા છે તે લવંગી ફટાકડા પણ નથી. અમારી પાસે પણ ભરપૂર બૉમ્બ છે અને એની વાટ પણ કાઢીને રાખી છે. જોકે અમે પહેલાં આ લવંગિયા બૉમ્બ ફૂટવાની રાહ જોઈ રહ્યા છીએ. અત્યારે વિરોધ પક્ષો કર્ણાટક સીમા વિવાદ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવીને હોબોળો મચાવી રહ્યા છે. આ મુદ્દો વર્ષો પહેલાંનો છે તો પહેલાં તમારી જ સરકાર હતી ત્યારે તમે કેમ કોઈ ઉકેલ નહોતા લાવી શક્યા? હવે અમે જ્યારે ઉકેલ માટેના પ્રયાસ હાથ ધર્યા છે ત્યારે આ પ્રશ્ન માટે અમને જ જવાબદાર ગણાવી રહ્યા છે.’
લોકસભાની સાથે જ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે
બીજેપીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન રાવસાહેબ દાનવેએ ગઈ કાલે દાવો કર્યો હતો કે ‘અત્યારે રાજ્યની રાજકીય પરિસ્થિતિ જોતાં ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ઔરંગાબાદના અનેક નેતા બીજેપીમાં પ્રવેશ કરશે.’
બીજેપીના તાજેતરમાં ચૂંટાયેલા સરપંચોના સત્કાર સમારંભમાં રાવસાહેબ દાનવેએ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાનો દાવો કર્યો હતો. તેમના આ દાવાથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે.