ઉદ્ધવ ઠાકરેને પાઠ ભણાવવા વહેલી સવારે શપથવિધિ કરવામાં આવી હતી

15 May, 2023 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધીર મુનગંટીવારે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

૨૦૧૯માં શિવસેનાબીજેપી સાથેની યુતિ તોડ્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું હતું. એવામાં અચાનક એક વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. ગણતરીના સમયમાં આ સરકાર તૂટી પડી હતી. આ વિશે ગઈ કાલે બીજેપીના નેતા અને રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથે વિશ્વાસઘાત કર્યો હતો એટલે તેમને પાઠ ભણાવવા માટે વહેલી સવારે શપથવિધિ કરવામાં આવી હતી.

સુધીર મુનગંટીવારે ગઈ કાલે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ એ સમયે જે રીતે વર્તન કર્યું હતું, જે રીતે રાજકીય અવ્યવસ્થા ઊભી કરી હતી એને લીધે અજિત પવારને સ્વીકારવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ કરીને ઉદ્ધવ ઠાકરેને અમે સંકેત આપ્યો હતો કે તમારા વિના પણ સરકાર બનાવી શકાય છે.’

સુધીર મુનગંટીવારના આ નિવેદન વિશે એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે સમર્થન આપતાં કહ્યું હતું કે ‘બીજેપીએ સવારના સમયે જે કર્યું હતું એ યોગ્ય હતું. માત્ર અજિત પવાર જ નહીં, આખી એનસીપી એ સમયે સાથે હતી. જોકે બાદમાં શરદ પવારે અચાનક યુ ટર્ન લીધો હતો એની પાછળનું કારણ એ હતું કે ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથે જવું નહોતું અને મુખ્ય પ્રધાન બનવું હતું એટલે એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા હતા.’

આદિત્ય ઠાકરે કેજરીવાલને મળ્યા

યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને ગઈ કાલે તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલે આ મુલાકાત સંબંધે ટ્વીટ કરી હતી કે રાજ્યમાં અત્યારની રાજકીય પરિસ્થિતિ બાબતે આદિત્ય ઠાકરે સાથે લાંબી ચર્ચા થઈ હતી.

રાજની પ્રતિક્રિયાની વૅલ્યુ નથી

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પરાજય અને કૉન્ગ્રેસના વિજય વિશે એમએનએસના વડા રાજ ઠાકરેએ ગઈ કાલે બીજેપીની ટીકા કરી હતી અને કૉન્ગ્રેસની ‘ભારત જોડો યાત્રા’થી કૉન્ગ્રેસને સફળતા મળી હોવાનું કહ્યું હતું. બીજેપીના મુંબઈ અધ્યક્ષ ઍડ. આશિષ શેલારે આ વિશે કહ્યું હતું કે ‘ઘરમાં બેસીને સપનું જોયા બાદ સપનામાં જોયું હોય એની પ્રતિક્રિયા માણસ આપી શકે છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો ફાયદો થયો હોય તો પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટીનો વિજય અને કૉન્ગ્રેસનો પરાભવ કેવી રીતે થયો? જાલંધરમાં રાહુલ ગાંધીની યાત્રાનો પ્રભાવ નહોતો? ઉત્તર ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપીનો પ્રચંડ વિજય થયો છે. ત્યાં શું રાહુલ ગાંધીનો પ્રભાવ નહોતો? આના પર રાજ ઠાકરે કંઈ બોલશે? રાજ ઠાકરે માત્ર પોતાનું અસ્તિત્વ બતાવવા માટે પ્રતિક્રિયા આપે છે એટલે તેમની પ્રતિક્રિયાને અમે મહત્ત્વ નથી આપતા.’

mumbai mumbai news maharashtra indian politics bharatiya janata party shiv sena uddhav thackeray ajit pawar devendra fadnavis