midday

ગોદરેજને બાદ કરતાં બુલેટ ટ્રેનની સમગ્ર લાઇનનું જમીન સંપાદન પૂર્ણ : મહારાષ્ટ્ર સરકાર

22 November, 2022 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિક્રોલીમાં કંપનીની માલિકીની જમીનના હસ્તાંતરણને લઈને ૨૦૧૯થી રાજ્ય સરકાર અને કંપની વચ્ચે કાનૂની લડત ચાલી રહી છે
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને માહિતી આપી હતી કે વિક્રોલી ખાતે ગોદરેજ ઍન્ડ બોઇસ મૅન્યુફૅક્ચરિંગ કંપની લિમિટેડની માલિકીના પ્લૉટને બાદ કરતાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમગ્ર લાઇન પરની જમીન સંપાદનની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિક્રોલીમાં કંપનીની માલિકીની જમીનના હસ્તાંતરણને લઈને ૨૦૧૯થી રાજ્ય સરકાર અને કંપની વચ્ચે કાનૂની લડત ચાલી રહી છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચેના ૫૦૮.૧૭ કિલોમીટરના રેલ ટ્રૅકમાંથી ૨૧ કિલોમીટરનો ટ્રૅક અન્ડરગ્રાઉન્ડ છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલનો એક એન્ટ્રી પૉઇન્ટ વિક્રોલીમાં ગોદરેજની માલિકીની જમીન પર આવે છે.

કંપનીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન હસ્તાંતરણ માટે એને વળતર ચૂકવવાના મહારાષ્ટ્ર સરકારે ૧૫મી સપ્ટેમ્બરે જાહેર કરેલા આદેશને પડકારતી યાચિકા ગયા મહિને દાખલ કરી હતી.

સોમવારે જસ્ટિસ આર ડી ધાનુકા અને એસ જી ડિગેની ડિવિઝન બેન્ચે પાંચમી ડિસેમ્બરે યાચિકાની સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતું. એ સમયે સરકારના ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ગોદરેજની જમીન સિવાય જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવાથી મામલાની સુનાવણી તાકીદે હાથ ધરવાની વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે દેશની આ પ્રથમ બુલેટ ટ્રેન હશે અને એ કલાકની મહત્તમ ૩૫૦ કિલોમીટરની ઝડપે દોડશે. આ પ્રોજેક્ટથી બન્ને શહેર વચ્ચેનું અંતર ત્રણ કલાકમાં કાપી શકાશે.

mumbai mumbai news maharashtra bombay high court mumbai high court vikhroli