10 September, 2024 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
CCTV ફૂટેજ અને ચંદ્રશેખર બાવનકુળે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેતના નામે રજિસ્ટર આઉડી કારે રવિવારે મોડી રાતે નાગપુરના રામદાસપેઠ વિસ્તારમાં અનેક વાહનોને ઉડાવ્યાં હતાં. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ કારે પહેલાં એક કારને ઉડાવી હતી. એ પછી મોપેડને ટક્કર મારતાં બે યુવકને ઈજા થઈ હતી. ત્યાર બાદ બીજી એક કારને પણ ઉડાવી હતી. પૅટ્રોલિંગ કરી રહેલી પોલીસે બાદમાં આઉડી કારને આગળ જઈને રોકી હતી. આઉડી કાર ચલાવી રહેલા અર્જુન હાવરે અને રોનિત ધરમપેઠમાં આવેલા બિયર બારમાંથી નીકળીને રામદાસપેઠ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. પોલીસે તેમની ધરપકડ કરી હતી, જેમને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
અકસ્માત થયો હતો એ આઉડી કાર મારા પુત્ર સંકેતના નામે રજિસ્ટર છે. જોકે અકસ્માત થયો હતો ત્યારે સંકેત કારમાં નહોતો. પોલીસે આ કેસની તપાસ નિષ્પક્ષ રીતે કરીને સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. - ચંદ્રશેખર બાવનકુળે