09 August, 2024 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મ્હાડા
મુંબઈગરાઓ માટે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા ૨૦૩૦ ફ્લૅટની લૉટરી ૧૩ સપ્ટેમ્બરે થવાની છે. મલાડ, ગોરેગામ, પવઈ, વિક્રોલી અને વડાલામાં આવેલા આ ફ્લૅટ લૉટરી-સિસ્ટમથી અલૉટ કરવામાં આવશે. એ માટે આજથી ઍપ્લિકેશન ફૉર્મ સ્વીકારવાનું ચાલુ કરવામાં આવશે. ફૉર્મ ભરવાની છેલ્લી તારીખ ચોથી સપ્ટેમ્બર છે.
મ્હાડાના જણાવ્યા અનુસાર આ લૉટરીમાં સૌથી વધુ ટૂ BHK (બેડરૂમ-હૉલ-કિચન) કૅટેગરીના ૭૬૮ ફ્લૅટ મિડલ ઇન્કમ ગ્રુપ માટે રાખવામાં આવ્યા છે, જ્યારે લોઅર ઇન્કમ ગ્રુપ માટે ૬૨૭ અને ઇકૉનૉમિક વીકર સેક્શન માટે વન BHKના ૩૫૯ ફ્લૅટ છે. થ્રી BHKના ૨૭૬ ફ્લૅટ હાયર ઇન્કમ ગ્રુપ માટે રાખવામાં આવ્યા છે. મ્હાડાના કહેવા મુજબ લોકેશન પ્રમાણે ફ્લૅટના રેટ અલગ-અલગ રાખવામાં આવ્યા છે.
મ્હાડાના નિયમો મુજબ પરિવાર (હસબન્ડ અને વાઇફ)ની મળીને વાર્ષિક ઇન્કમ જો ૬ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો તે ઇકૉનૉમિક વીકર સેક્શનમાં અરજી કરી શકે છે. એ જ રીતે લોઅર ઇન્કમ ગ્રુપ માટે એ લિમિટ ૬ લાખથી ૯ લાખ રૂપિયાની છે, જ્યારે મિડલ ઇન્કમ ગ્રુપ માટે એ લિમિટ ૯ લાખથી ૧૨ લાખ રૂપિયાની છે. ૧૨ લાખ રૂપિયાથી વધુની વાર્ષિક ઇન્કમ ધરાવતા પરિવાર હાયર ઇન્કમ ગ્રુપના ફ્લૅટ માટે અરજી કરી શકે છે.