31 May, 2021 09:56 AM IST | Mumbai | Rajendra B Aklekar
પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે
પશ્ચિમ રેલવેના ચર્ચગેટસ્થિત વડા મથકની હેરિટેજ ઇમારતમાં અનેક સુધારાવધારા અને સમારકામ સાથે એલઈડી રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. શુક્રવારે પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર આલોક કન્સલના હસ્તે નવા દોરદમામ અને ભવ્યતા સાથેની ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વરિષ્ઠ અધિકારીએ ૧૫ લાખ રૂપિયાના ખર્ચે પશ્ચિમ રેલવેના મુખ્યાલયની ઇમારતને મજબૂત અને આકર્ષક બનાવવાની કામગીરી વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘પોરબંદર સ્ટોન, સૅન્ડ સ્ટોન અને બસાલ્ટની બનેલી કમાનોની સફાઈ સાથે સજાવટનું રૂપ આપવામાં આવ્યું છે. થાંભલાના પથ્થરોનું સમારકામ, છત પરના લાકડાનું સમારકામ અને રંગકામ, કોતરણીઓ અને કલાકારીગરીઓ જળવાઈ રહે એવી જોગવાઈ કરવામાં આવી છે.’
૧૯મી સદીના અંતમાં ૭.૫૦ લાખ રૂપિયાના ખર્ચે એ ઇમારત બંધાઈ હતી. મૂળ બૉમ્બે બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે કંપનીના મુખ્ય મથકની આ ઇમારતમાં આર્કિટેક્ચરની વેનેશિયન ગૉથિક અને ઇન્ડો-સારાસેનિક સ્ટાઇલ્સનો સમન્વય હતો. આર્કિટેક્ચરની દુનિયામાં પ્રતિષ્ઠા ધરાવતા આર્કિટેક્ટ ફ્રૅડરિક સ્ટીવન્સે આ ઇમારતની ડિઝાઇન બનાવી હતી. એના બાંધકામની શરૂઆત ૧૮૯૪માં, પૂર્ણાહુતિ ૧૮૯૯માં થઈ હતી.