22 August, 2024 04:46 PM IST | Thane | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બદલાપુર કેસ (Badlapur Incident)માં પોલીસની કામગીરી પર બોમ્બે હાઈકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે, “જો અમને ખબર પડશે કે મહારાષ્ટ્ર પોલીસ તેની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી રહી છે તો અમે પગલાં લેવામાં બિલકુલ અચકાઈશું નહીં. મહારાષ્ટ્ર પોલીસનો લોગો જુઓ. દરેકની સલામતી. લોકોનો વિશ્વાસ તૂટવો જોઈએ નહીં. લોકોને રસ્તા પર આવવાની જરૂર ન પડવી જોઈએ.”
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, “સમજાતું નથી કે બદલાપુર (Badlapur Incident) પોલીસે આ કેસમાં શું કામ કર્યું? માત્ર અધિકારીઓને સસ્પેન્ડ કરવા એ જવાબ ન હોઈ શકે. આ ઘટનામાં કયા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે? શું ફરિયાદીના નિવેદનનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું? શું બીજા બાળકનું નિવેદન નોંધવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો હતો? આ તમામ બાબતો અંગે શું પગલાં લેવામાં આવ્યા?”
બીજી બાળકીનું નિવેદન નોંધવામાં કેમ વિલંબ થયો?
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર પોલીસ (Badlapur Incident)ને પૂછવામાં આવ્યું કે, “અમને જણાવો કે બીજી બાળકીનું નિવેદન નોંધવામાં કેમ વિલંબ થયો? પોલીસ તેને આટલી હળવાશથી કેમ લઈ રહી છે તે સમજાતું નથી. વિરોધ પછી જ પોલીસે SIT કેમ બનાવી? જ્યારે વિરોધ થાય ત્યારે જ તમે પગલાં લો તે જરૂરી છે?”
કોર્ટે પોલીસને પૂછ્યું કે, “તે દિવસે તમે શું કરી રહ્યા હતા? કાર્યવાહીમાં આટલો વિલંબ કેમ થયો? ઘટના 13મી ઑગસ્ટની છે. નિવેદનો યોગ્ય રીતે નોંધવામાં આવે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પોલીસ અધિકારીઓની છે. અમે જાણવા માગીએ છીએ કે બદલાપુર પોલીસે શા માટે નિવેદનો નોંધ્યા નથી. અમને અન્ય કોઈ બાબતમાં રસ નથી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે બળકીઓને ન્યાય મળે.”
જો બેદરકારી જણાશે તો પોલીસ કાર્યવાહી કરશે
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે, “જો અમને ખબર પડશે કે પોલીસ દ્વારા તેમની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવવામાં આવી છે, તો અમે પગલાં લેવામાં અચકાઈશું નહીં. બદલાપુર પોલીસે શા માટે જરૂરિયાત મુજબ તપાસ ન કરી તે અંગે પણ તમારી પાસે ઘણા જવાબ છે.” કોર્ટે પૂછ્યું કે, “શા માટે શાળાની સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં ન આવ્યા? જો શાળાઓ સલામત નહીં હોય તો આપણે કેવી રીતે આગળ વધીશું?”
પોલીસની કાર્યશૈલી પર ઉઠ્યા પ્રશ્નો
પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉઠાવવાની સાથે આવા મામલામાં ત્વરિત કાર્યવાહી ન કરવા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે, “આ બાળકીઓએ ફરિયાદ કરી છે, પરંતુ આવા કેટલા મામલા નોંધાયા હશે. પોલીસે તેની ભૂમિકા ભજવી ન હતી. શું પોલીસ સંવેદનશીલ છે? પોલીસે તાત્કાલિક કેસ નોંધવો જોઈએ.”
ક્રાઈમ બ્રાંચ આદર્શ સ્કૂલ પહોંચી
થાણે અને ભિવંડી ક્રાઈમ બ્રાન્ચની ટીમ બદલાપુર કેસ સાથે સંબંધિત તપાસને લઈને સંબંધિત આદર્શ સ્કૂલ પહોંચી ગઈ છે, અત્યાર સુધી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્કૂલમાં શું થયું, તોડફોડ અને અન્ય પાસાઓની તપાસ કરી રહી છે. શિક્ષકના રૂમમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષકોની પણ પૂછપરછ થઈ શકે છે.