19 February, 2023 09:30 AM IST | Mumbai | Priti Khuman Thakur
કામમાંથી છ મહિનાની રજા લઈને દીકરી સાથે ૧૦૦ દિવસની ભારતયાત્રા પર આવેલું લંડનનું જૈન કપલ
આવા ગર્વ સાથે જૈન કપલે બતાવ્યો અનોખો ભારતપ્રેમ : લંડનમાં રહેતા પારસ મામણિયાએ ભારતની પરંપરાઓ, સૌંદર્ય, પરિવારજનો અને મિત્રો સાથે સંબંધો અને સ્નેહ જાળવી રાખવા સાડાત્રણ વર્ષની દીકરી સાથે ૧૦૦ દિવસની ભારતયાત્રા કરી : આ દરમ્યાન ૧૮,૩૯૫ કિલોમીટરનો પ્રવાસ કરીને ભારતનાં ૧૦ રાજ્યો, ૩ યુનિયન ટેરિટરીઝ અને ૨૦ શહેરોની મુલાકાત લીધી
છેલ્લાં બારેક વર્ષથી લંડનમાં રહેતા ગોરેગામના જૈન દંપતીએ ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ કંઈક અનોખી રીતે જ દાખવ્યો છે. આ જૈન દંપતીએ તેમની સાડાત્રણ વર્ષની દીકરી સાથે ૧૦૦ દિવસની ભારતયાત્રા કરીને ૧૮,૩૯૫ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. એમાં તેમણે ભારતનાં ૧૦ રાજ્યો, ૩ યુનિયન ટેરિટરીઝ અને ૨૦ શહેરોની મુલાકાત લીધી હતી. ભારત, સગાંસંબંધીઓ અને મિત્રો સાથે પોતાને અને પોતાની દીકરીને જોડી રાખવા તેઓ પહેલાં નોકરી છોડીને યાત્રા શરૂ કરવાના હતા, પરંતુ કંપનીનો સપોર્ટ મળતાં દંપતી સબેટિકલ લીવ લઈને લંડનથી છ મહિના માટે ભારત આવ્યું છે. હાલમાં ગોરેગામમાં મમ્મી-પપ્પા અને પરિવારજનો સાથે દીકરીનો જન્મદિવસ મનાવવા તેઓ રોકાયા છે.
ભારત અમારો પ્રેમ છે અને ભારતીય હોવાનો ગર્વ પણ છે એટલે એની સાથે જોડાઈ રહેવા અમે ભારતયાત્રા શરૂ કરી હતી એમ જણાવીને ૩૯ વર્ષના પારસ મામણિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૫થી હું અમેરિકામાં રહેતો હતો અને લગ્ન બાદ છેલ્લાં ૧૨ વર્ષથી યુ.કે. પરિવાર સાથે રહું છું. હું રિયલ એસ્ટેટ કંપનીમાં આઇટી ડિરેક્ટર છું અને મારી પત્ની ખ્યાતિ સીએ ફર્મમાં અકાઉન્ટ્સ વિભાગમાં છે. અમારી સાડાત્રણ વર્ષની દીકરી અંશી હવે સ્કૂલમાં જવાની છે. અમે દિગંબર જૈન સમાજના હોવાથી આખી યાત્રા દરમ્યાન અને લંડનમાં પણ અમે પ્યૉર જૈન ફૂડ જ લઈએ છીએ. દીકરીનો જન્મ કોરોના વખતે થયો હતો અને લૉકડાઉનને કારણે છેલ્લાં ત્રણ વર્ષથી તે કોઈને મળી નહોતી એટલે ભારત વિશે, સંબંધો અને પરિવારજનો વિશે તેને જાણ થાય અને પરિવાર સાથે જોડાયેલી રહે એ માટે તથા સંબંધોની હૂંફનો અનુભવ કરાવવા અમે ૧૦૦ દિવસની ભારતયાત્રાનું આયોજન કર્યું હતું. ૨૦૨૨ની ૧૨ સપ્ટેમ્બરે અમે ઘરેથી નીકળ્યા હતા. અમે પહેલાં યુ.કે.માં રહેતા અમારા પરિવારજનોને મળ્યા હતા. ત્યાર બાદ સાતમી નવેમ્બર ૨૦૨૨થી ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી અમે ભારતયાત્રા કરી હતી. અમે દરેક દિવસના બ્લૉગ પણ બનાવ્યા છે. આ યાત્રા દરમિયાન અમે ૧૮,૩૯૫ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. ભારતનાં ૧૦ રાજ્યો, ૩ યુનિયન ટેરિટરીઝ અને ૨૦ શહેરોમાં અમે ફર્યા હતા. યાત્રા દરમિયાન અમે સંબંધીઓ અને મિત્રોને ત્યાં તથા જૈન દેરાસરમાં રહેતા હતા. મોટા ભાગે અમે જૈન દેરાસરમાં વધુ રહેતા હતા જેથી દીકરીને જૈન ધર્મ વિશે શીખવા મળે.’
કામકાજને કારણે અમે ભારતમાં નથી રહી શકતા, પણ એના પ્રત્યેનો પ્રેમ આ રીતે દર્શાવી શકીએ છીએ એમ જણાવીને પારસ મામણિયાએ કહ્યું હતું કે ‘ભારતમાં વડીલોનું સન્માન કરવામાં આવે છે તથા નાના સાથે પ્રેમ, આદર, ભાવના જેવા અનેક ગુણો છે જે અમારે જાળવીને દીકરીમાં પણ કેળવવાના હતા. મારી દીકરી અંશીના જન્મ પહેલાં મેં અને ખ્યાતિએ પણ ભારત અને ફૅમિલી સાથે કનેક્શન રાખવા ૧૦૦ દિવસની ભારતયાત્રા કરી હતી. એમાં અમે ભારતનાં ૧૮ રાજ્યો અને ૫૩ શહેરોમાં ફર્યાં હતાં અને સગાંસંબંધીઓને મળ્યાં હતાં. એ વખતે અમને રજા મળી ન હોવાથી અમે બન્નેએ જૉબ જ છોડી દીધી હતી. યાત્રા પરથી આવ્યા બાદ લંડનમાં પોતાના સેવિંગ્સ પર ત્રણ મહિના રહ્યા હતા. આ વખતે કંપનીએ ૬ મહિનાની રજા આપી છે. જૈન ફૂડ સાથે જ અમે યાત્રા કરી હતી.’