16 May, 2024 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
પાલઘર લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ હોવાથી અહીં ખરી રસાકસી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ૧૮ મેએ નાલાસોપારા-પાલઘર લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમંત સાવરાના પ્રચાર માટે આવી રહ્યા છે.
નાલાસોપારા-વેસ્ટના શ્રીપ્રસ્થા રોડ આવેલા ફનફીએસ્ટા થિયેટર પાસે સવારે સાડાઅગિયાર વાગ્યે સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે મેદાનમાં પ્રચારસભા યોજવામાં આવી છે. કટ્ટર હિન્દુ ચહેરો ધરાવતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પાલઘરમાં યુદ્ધના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલઘર લોકસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ હોવાથી ઉદ્ધવ ઠાકરે પણ તેમના ઉમેદવાર માટે વસઈના મેદાનમાં ઊતર્યા હતા. આ મતવિસ્તારમાં મહાયુતિ વતી BJPના ડૉ. હેમંત સાવરા, મહાવિકાસ આઘાડી તરફથી ભારતી કામડી અને બહુજન વિકાસ આઘાડી તરફથી રાજેશ પાટીલને ઉમેદવારી આપવામાં આવી છે.