03 May, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મરાઠી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં ગઈ કાલે ઉદ્વવ ઠાકરે વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે બીમાર હતા ત્યારે મેં તેમને ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા. તેમનાં પત્ની રશ્મિ ઠાકરેને દરરોજ ફોન કરીને સમાચાર જાણી લેતો. ઑપરેશન પહેલાં રશ્મિએ મને ફોન કરીને પૂછ્યું હતું કે ભાઈસાહેબ, આપની શું સલાહ છે? મેં કહ્યું હતું તમે ઑપરેશન કરો, બાકી ચિંતા છોડો, પહેલાં શરીરનું ધ્યાન રાખો. બાળાસાહેબના પુત્ર તરીકે હું ઉદ્ધવ ઠાકરેનું માન-સન્માન કરીશ જ. તે મારા શત્રુ નથી. તેમના પર કોઈ સંકટ આવશે તો તેમને મદદ કરવા માટે સૌથી પહેલાં હું દોડીને જઈશ, એક કુટુંબ તરીકે. બાળાસાહેબને મારા પર અતિશય પ્રેમ હતો, હું એ કર્જ ક્યારેય ભૂલીશ નહીં. અમારી પાસે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વિધાનસભ્યો છે. આમ છતાં શિવસેનાના મુખ્ય પ્રધાન છે. આ મેં બાળાસાહેબને આપેલી શ્રદ્ધાંજલિ છે. ૨૦૧૪ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના સાથે યુતિ નહોતી તો પણ પ્રચારમાં મેં બાળાસાહેબ પ્રત્યે એક પણ શબ્દ નહોતો કહ્યો. ઉદ્ધવ ઠાકરે મારી ગમે એટલી ટીકા કરશે તો પણ હું તેમને સામે જવાબ નહીં આપું, કારણ કે મારી બાળાસાહેબ પર શ્રદ્ધા છે.’