વરલીના પોલિંગ બૂથમાંથી મળ્યો શિવસેના UBT એજન્ટનો મૃતદેહ, પોલીસ તપાસ શરૂ

21 May, 2024 01:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: મૃતક 62 વર્ષના મનોહર નલગે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના પોલિંગ બૂથ એજન્ટ હોવાની માહિતી સામે આવી છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

લોકસભા ચુંટણી માટે ગઈકાલે મહારાષ્ટ્રના મુંબઈ સહિત થાણે, પાલઘર અને ભિવંડી જેવા વિસ્તારોમાં મતદાન (Lok Sabha Elections 2024) થયું હતું. ગઇકાલે થયેલા મતદાનમાં મતદાતાઓના ઓછા પ્રતિસાદ મળ્યાની સાથે મતદાન કેન્દ્રો પર નિર્માણ થયેલી અનેક સમસ્યાને લીધે મુંબઈ સહિત થાણે, પાલઘર અને ભિવંડીમાં મળીને અંદાજે 54.22 ટકા મતદાન થયું હોવાની નોંધ કરવામાં આવી હતી. આ સાથે અનેક મતદાન કેન્દ્રો પર ઇવીએમ મશીન પણ બંધ પડી જવાની ઘટના બની હતી, પણ મુંબઈના વરલીમાં એક પોલિંગ બૂથના શૌચાલયની અંદરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે અને હવે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

વરલી મત વિસ્તારના એક મતદાન કેન્દ્રના શૌચાલયમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહની ઓળખ મનોહર નલગે તરીકે કરવામાં આવી હતી. મૃતક 62 વર્ષના મનોહર નલગે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના પોલિંગ બૂથ એજન્ટ હોવાની માહિતી સામે આવી છે. મુંબઈના એનએમ જોશી માર્ગ પોલીસે શિવસેના યુબીટીના (Lok Sabha Elections 2024) એજન્ટ મનોહર નલગેના મૃતદેહને તાબામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ માટે કેસ દાખલ કર્યો છે. આ અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે નલગે ઘણા સમયથી શિવસેના યુબીટીના પોલિંગ એજન્ટ તરીકે કાર્યરત હતા તેમજ તેઓ અનેક વર્ષોથી શિવસેના સાથે પણ જોડાયેલા હતા.

ગઇકાલે સોમવારે 2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં (Lok Sabha Elections 2024) મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું. આખા મહારાષ્ટ્રમાં મળીને મોડી રાત સુધી લગભગ 54.22 ટકા મતદાન થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં ડિંડોરી લોકસભા સીટ પર સૌથી વધુ 57.06 ટકા અને કલ્યાણમાં સૌથી ઓછું 41.70 ટકા મતદાન થયું હતું. તેમ જ મુંબઈ મેટ્રોપોલિટન રિજનની 6 બેઠક પર 116 ઉમેદવારો સહિત કુલ 264 ઉમેદવારોનું ભાવિ મતદાતાઓએ નક્કી કર્યું.

ઉલ્લેખનીય છે કે મતદાન દરમિયાન મુંબઈ સાથિત રાજ્યના અનેક મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનમાં (Lok Sabha Elections 2024) ખામી સર્જાવાની સાથે મતદાન કર્મચારીઓની ધીમી ગતિએ કામ કરી રહ્યા છે, તેમ જ અને મતદાર યાદીમાં હજારો મતદાતાઓના નામો પણ નહીં હોવા અંગેની અનેક ફરિયાદો નાગરિકોએ કરી હતી. આ વખતે ચૂંટણીમાં મતદાતાઓનો ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ તડકાથી બચવા વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ હતી અને સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી હતી. બપોરના તડકાથી મતદાતાઓને બચાવવા માટે અનેક મતદાન મથકો પર કરાયેલી વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ હતી, તેમ છતાં ઉત્સાહી મતદાતાઓએ અડગ રહીને મતદાન કરવાની ફરજ બજાવી હતી. રાજ્યપાલ રમેશ બૈસે તેમની પત્ની સાથે મતદાન કર્યું. તેમજ બે ખેડૂતોએ કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓનો વિરોધ કરવા ટામેટાં અને ડુંગળીના માળા પહેરીને તેઓ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા હોવાનું દ્રશ્ય પણ ગઇકાલના મતદાનમાં જોવા મળ્યું હતું.

Lok Sabha Election 2024 shiv sena worli mumbai news mumbai