મુંબઈગરાની ધીરજની કસોટી થઈ

21 May, 2024 06:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગનાં મતદાનકેન્દ્રોમાં મતદાનની ધીમી પ્રક્રિયાને લીધે લાંબી લાઇનો લાગી. ૬ વાગ્યા પછી પણ મતદારોને ટોકન આપીને વોટિંગ ચાલુ રાખવું પડ્યું

ગઈ કાલે થાણેમાં મતદાન કર્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમનો પરિવાર.

મુંબઈ અને આસપાસની લોકસભાની ૧૦ બેઠકોમાંથી ઘણે ઠેકાણે ગઈ કાલે મતદાનની પ્રક્રિયા અતિશય ધીમી હોવાની ફરિયાદો આવી હતી અને ઠેકઠેકાણે વોટિંગ માટે લાંબી લાઇનો લાગી હતી. બપોરના બેથી ચાર વાગ્યા સુધી જોકે ગરમીને લીધે મોટા ભાગનાં મતદાનકેન્દ્રોમાં ગણ્યાગાંઠ્યા મતદારો જોવા મળ્યા હતા. ચાર વાગ્યા પછી મોટા ભાગનાં મતદાનકેન્દ્રોમાં મત આપવા માટે લાંબી લાઇનો લાગી હતી. અડધોથી દોઢ કલાક સુધી લોકોએ મત આપવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતાં મુંબઈગરાની ધીરજની કસોટી થઈ હતી.

નેતાઓ મતદાનકેન્દ્ર પહોંચ્યા
ઉદ્ધવ ઠાકરેના ગઢ ગણાતા માહિમ, દાદર, માટુંગા અને પરેલ જેવા વિસ્તારોમાં મતદાનની પ્રક્રિયા ખૂબ જ ધીમી ચાલતી હોવાથી અહીં લાંબી લાઇનો જોવા મળી હતી. અસંખ્ય લોકોને લાઇનમાં ઊભા રહેલા જોઈને અનેક મતદારો મત આપ્યા વિના ઘરે જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પક્ષના કાર્યકરો અને મતદારોની ફરિયાદો મળતાં ખુદ ઉદ્ધવ ઠાકરેએ મતદાનકેન્દ્રમાં જઈને તપાસ કરી હતી. આવી જ રીતે બોરીવલી-ઈસ્ટ અને માગાઠાણેમાં પણ મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું હોવાની ફરિયાદ મળતાં ભારતીય જનતા પાર્ટીના મુંબઈ નૉર્થ બેઠકના ઉમેદવાર પણ મતદાનકેન્દ્રમાં પહોંચ્યા હતા.

ગરમી પણ નડી
ગઈ કાલે સવારથી ખૂબ જ ઉકળાટ હતો. એમાં બપોરના તાપમાનમાં પણ વધારો થતાં મતદારોએ આ સમયે ઘરમાંથી નીકળવાનું માંડી વાળ્યું હતું. ચાર વાગ્યા પછી ગરમી ઓછી થતાં મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસર તથા ઈસ્ટર્ન સબર્બ્સનાં મુલુંડ, ઘાટકોપર અને ભાંડુપમાં એકસાથે મોટી સંખ્યામાં મતદારો મત આપવા નીકળતાં લાંબી લાઇનો જોવા મળી હતી. એવામાં મતદાનની ધીમી પ્રક્રિયાને કારણે પણ લોકો કંટાળ્યા હતા.

ટોકન આપવામાં આવ્યા
સામાન્ય રીતે મતદાનકેન્દ્રની અંદર આવી ગયા હોય તેઓ મતદાનના સમય બાદ પણ મત આપી શકે છે, પણ મતદાનકેન્દ્રની બહારના લોકોને અંદર લેવામાં નથી આવતા. જોકે ગઈ કાલે સાંજે ૬ વાગ્યે મતદાન કરવાનો સમય પૂરો થયો ત્યારે પણ અનેક લોકો લાઇનમાં ઊભા હોવાનું ધ્યાનમાં આવતાં આ લોકોને ટોકન આપવામાં આવ્યા હતા.

નામ ગાયબ થયાં
દરેક ચૂંટણીમાં મતદારયાદીમાંથી નામ ગાયબ થવાની ફરિયાદો મળે છે એવી જ રીતે ગઈ કાલે પણ અનેક જગ્યાએ લોકો મત આપવા માટે મતદાનકેન્દ્ર પાસે પહોંચ્યા હતા, પરંતુ તેમનાં નામ ન હોવાથી તેમણે મત આપ્યા વિના જ પાછા જવું પડ્યું હતું.

મતદાન ​સ્લિપની ફરિયાદ
મતદાન કરવા માટેનું આઇડે​ન્ટિટી કાર્ડ બધા પાસે હોય છે, પણ તેમણે મતદાનકેન્દ્રના કયા બૂથમાં જઈને મત આપવાનો છે એની માહિતી રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિતરિત કરવામાં આવતી મતદાનની સ્લિપમાં હોય છે. આ વખતે આવી સ્લિપ ન મળી હોવાની મોટા પાયે ફરિયાદો મતદાનકેન્દ્રમાં જોવા મળી હતી. આથી સ્લિપ શોધવાનાં કે બૂથ-નંબરની માહિતી આપવા માટેનાં મદદ કેન્દ્રોમાં ભારે ભીડ જોવા મળી હતી.

મતદાનકેન્દ્રમાં મૃત્યુ
લોઅર પરેલમાં આવેલા મતદાનકેન્દ્રમાં હાજર ઉદ્ધવ ઠાકરે જૂથના ૬૨ વર્ષના કાર્યકર મનોહર નલગેનું મૃત્યુ થયું હતું. આ શિવસૈનિક પક્ષના પોલિંગ બૂથ એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા ત્યારે ગરમી લાગવાથી ઢળી પડ્યા હતા.

mumbai news mumbai Lok Sabha Election 2024 brihanmumbai municipal corporation