જો બધા જ મતદાતા આવા હોય તો ખરેખર દેશનો ઉદ્ધાર થઈ જાય

21 May, 2024 08:36 AM IST  |  Mumbai | Ruchita Shah

દાદરમાં શિવાજી પાર્કમાં રહેતા કિશોર હરિયા આખી રાતનું ટ્રાવેલ કરીને ગઈ કાલે બપોરે બે વાગ્યે મુંબઈ પહોંચ્યા. ટ્રેન અડધો કલાક લેટ હતી છતાં દોડતાં દોડતાં વોટિંગ-બૂથ પર પહોંચીને પોતાનો મત આપ્યો

કિશોર હરિયા

ગઈ કાલે મતદાનના માહોલમાં એકથી એક ચડિયાતા મતદારો જોવા મળ્યા જેમાં સૌથી વધુ નિષ્ઠાવાન વોટર તરીકેનો જો અવૉર્ડ આપવાનો હોય તો શિવાજી પાર્કમાં રહેતા કિશોર હરિયાને જ આપવો પડે. રવિવારે ‘મિડ-ડે’એ કિશોર હરિયાનો મતદાન માટેની તીવ્ર ઇચ્છા અને એ માટે તેમની તકલીફો સહેવાની તૈયારી વિશેની વાત કરતો અહેવાલ શૅર કર્યો હતો. કિશોરભાઈએ જે પ્લાન કર્યો હતો એ અશક્ય જેવો લાગતો હતો, પણ પ્રતીત થતું હતું, પણ કિશોરભાઈ પોતાના શબ્દો પર કાયમ રહ્યા અને તેમણે સાંભળવામાં લગભગ અઘરી અને અસંભવ લાગતી બાબત અમલમાં મૂકી પણ દેખાડી.

વીસમી તારીખે એટલે ગઈ કાલે શિવાજી પાર્કના તેમના મતદાનકેન્દ્રમાં પહોંચવા માટે કિશોરભાઈએ આગલા દિવસે સાંજે સાડાસાત વાગ્યાથી પોતાનો પ્રવાસ શરૂ કરી દીધો હતો. આખી રાતની ટ્રેનના જનરલ ડબ્બામાં બેઠાં-બેઠાં જર્ની કર્યા પછી બપોરે બે વાગ્યે તેઓ દાદર સ્ટેશને પહોંચ્યા. ત્યાંથી દોડતાં-ભાગતાં મતદાન-કેન્દ્રમાં પહોંચ્યા. એકાદ કલાકમાં મત આપીને પાછી સાડાત્રણ વાગ્યાની કચ્છ જતી સયાજી એક્સપ્રેસ પકડી લીધી. માત્ર દોઢ કલાક માટે તેઓ મુંબઈ રહ્યા અને મત આપવા માટે તેમણે આવી ગરમીમાં બેઠાં-બેઠાં લગભગ ૩૫ કલાક કરતા વધુનો પ્રવાસ કર્યો. કિશોરભાઈ કહે છે, ‘લોકોએ મને ગાંડો કહ્યો, મારી હાંસી ઉડાવી, પણ મને માત્ર વોટ આપીને મારું કર્તવ્ય નિભાવવાનો સંતોષ છે. બસ, હવે બીજું મને કંઈ નથી જોઈતું. નિરાંતે હું કચ્છમાં અમારાં કુળદેવીનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એને સેલિબ્રેટ કરીશું.’

mumbai news mumbai Lok Sabha Election 2024 gujaratis of mumbai