કચ્છથી ૫૦ લોકો બસમાં, કેટલાક કારમાં મુંબઈ આવ્યા અને વોટિંગ કરીને બપોરે ફરી કચ્છ જવા નીકળી ગયા

21 May, 2024 08:29 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સવારે તેઓ મુંબઈ આવ્યા હતા અને વોટિંગ કરીને બપોરે ફરી બસમાં ગામમાં જવા નીકળી ગયા હતા.

૬૦ લોકો કચ્છથી મુંબઈ મતદાન કરવા આવ્યા હતા અને પાછા બસ દ્વારા કચ્છ જતા રહ્યા હતા.

મુંબઈમાં રહેતા કચ્છ કડવા પાટીદાર પટેલોએ વતનમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં ૫૦ વર્ષ પૂરાં થવાના હોવાથી મહોત્સવનું આયોજન કર્યું છે. એની તૈયારી કરવા મુંબઈથી ૬૦થી વધુ લોકો ૧૦ મેએ ગામમાં પહોંચ્યા હતા. જોકે મતદાન કરીને ફરજ નિભાવવી હોવાથી બસ અને કાર લઈને ગઈ કાલે સવારે તેઓ મુંબઈ આવ્યા હતા અને વોટિંગ કરીને બપોરે ફરી બસમાં ગામમાં જવા નીકળી ગયા હતા.

કચ્છમાં આવેલા માંડવી તાલુકાના દરસડી ગામમાં ૨૩થી ૨૬ મે સુધી ગામમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનાં ૫૦ વર્ષ પૂરાં થયાં હોવાથી સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એથી મહોત્સવની તૈયારી પહેલાં કરવાની હોવાથી મુંબઈથી સમાજના લોકો ગયા તો ખરા, પરંતુ વોટ આપવા મુંબઈ આવ્યા હતા અને મતદાન કરીને પાછા બપોરે જતા રહ્યા હતા. આ વિશે માહિતી આપતાં શ્રી કડવા પાટીદાર દરસડી સનાતન સમાજ-મુંબઈના કારોબારી સમિતિના સભ્ય શાન્તિલાલ ડાયાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના ઘાટકોપર, થાણે, મુલુંડ, ડોમ્બિવલી વગેરે વિસ્તારોમાંથી આશરે ૬૦ લોકો શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહોત્સવમાં ગયા હતા. ૧૦ મેએ અમે બધા ગયા હતા અને કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા હતા. મુંબઈમાં વોટ આપવાનો હોવાથી અમે ૧૯ મેએ સવારે નીકળ્યા હતા અને ગઈ કાલે સવારે છ વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા. અમે આવવા-જવા લક્ઝરી બસ રાખી હતી. દરસડી ગામથી ઘાટકોપર પહોંચી મતદાન કરીને બપોરે મુંબઈથી દરસડી જવા નીકળી ગયા હતા.’

mumbai news mumbai kutchi community gujarati community news gujaratis of mumbai Lok Sabha Election 2024