૩૬ કલાક પહેલાં ટિકિટ લીધી અને ૨૪ કલાકની જર્ની કરીને અમેરિકાથી આવેલા મીત સંઘવીએ મત આપ્યો

21 May, 2024 08:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

છેલ્લી ઘડીએ વીઝા માટેની અપૉઇન્ટમેન્ટ મળી હતી અને વીઝા મળતાં જ તે મત આપવા મુંબઈ આવી ગયો હતો

મીત સંઘવી

અમેરિકામાં રહેતા અને ઍમેઝૉનમાં સૉફ્ટવેર એન્જિનિયરની જૉબ કરતા મૂળ કાંદિવલીના મીત સંઘવીને છેક છેલ્લી ઘડીએ વીઝા માટેની અપૉઇન્ટમેન્ટ મળી હતી અને વીઝા મળતાં જ તે મત આપવા મુંબઈ આવી ગયો હતો. મીતે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાંની ૨૦૧૯ની ચૂંટણી વખતે હું હૈદરાબાદથી મુંબઈ આવ્યો હતો. આ વખતે પણ આવવું હતું, પણ વીઝા માટેની અપૉઇન્ટમેન્ટ નહોતી મળી રહી. પછી બધું ગોઠવાતું ગયું અને વીઝા છેક લાસ્ટ મિનિટે મળ્યા. એથી હજી ૩૬ કલાક પહેલાં મેં ટિકિટ કઢાવી અને ૨૪ કલાકની જર્ની કરીને મુંબઈ આવી ગયો. મારી મોટી બહેન મિતિ સાથે જઈને મેં મત આપ્યો હતો. મત આપવાનો આપણો રાઇટ છે અને એ મિસ ન કરવો જોઈએ. હું પૉઝિટિવ હતો. એમાં સિચુએશને સાથ આપ્યો એટલે થઈ શક્યું. અહીં સરકાર મત આપવા માટે હૉલિડે આપે છે એનો મતલબ એ નથી કે બહાર વેકેશન પર ઊપડી જાઓ. એ ઍક્સેપ્ટેબલ નથી.’

mumbai news mumbai kandivli united states of america gujaratis of mumbai