09 May, 2024 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામિની જાધવ
મુંબઈની લોકસભાની ૬ બેઠકમાંથી સૌથી વધારે ચર્ચાસ્પદ મુંબઈ સાઉથની બેઠક પર પહેલાં તો ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ઉમેદવારને લઈને જબરદસ્ત ઘર્ષણ જોવા મળ્યું હતું, જેમાં BJP મલબાર હિલના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અથવા તો કોલાબાના વિધાનસભ્ય તેમ જ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને આ બેઠક પરથી લડાવવા માગતી હતી અને એટલે જ બન્નેએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. જોકે એકનાથ શિંદેની શિવસેનાએ ગમેએમ કરીને આ બેઠક પોતાને માટે લઈ તો લીધી, પણ અહીંથી તેમણે ભ્રષ્ટાચારના જેમના પર ગંભીર આરોપ છે એવાં ભાયખલાનાં વિધાનસભ્ય યામિની જાધવને ટિકિટ આપતાં બધા જબરદસ્ત નારાજ થઈ ગયા હતા. જોકે શિંદેસેના તરફથી એવું કહેવામાં આવતું હતું કે યામિની જાધવ સામેના આરોપ બાબતે કોઈ ચુકાદો આવ્યો ન હોવાથી તેમને ચાન્સ આપવો જોઈએ.
જોકે એકનાથ શિંદેની શિવસેનાનો આ નિર્ણય દક્ષિણ મુંબઈના રહેવાસીઓને ગમ્યો ન હોય એવું ત્યાંના રહેવાસીઓ સાથેની વાત પરથી લાગે છે. આ લોકોનું કહેવું છે કે ‘આજથી બે-ત્રણ દાયકા પહેલાં ગામડાંઓમાં ભ્રષ્ટાચાર, હત્યા અને બળાત્કારના આરોપવાળા લોકો ઇલેક્શન લડતા હતા, પણ છેલ્લા થોડા સમયથી ત્યાં પણ આ ચલણ બહુ ઓછું થઈ ગયું છે ત્યારે શિંદેસેનાએ જેના પર સેંકડો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ છે એવી વ્યક્તિને ઉમેદવારી સોંપીને મતદારોની મજાક ઉડાડી છે. જો આજે એનો જવાબ આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભા અને નગરસેવકની ચૂંટણીમાં પણ આ જ સિલસિલો ચાલુ રહેશે.’
વાલકેશ્વરમાં રહેતા હીરાના એક વેપારીએ કહ્યું કે ‘જે વ્યક્તિ સામે ઇન્કમ ટૅક્સ, ED, FEMA જેવી એજન્સીઓ તપાસ કરી રહી હોય એવી વ્યક્તિને શું વિચારીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉમેદવાર બનાવ્યાં હશે એ સમજાતું નથી. હજી સુધી તેમને ક્લીન ચિટ પણ નથી મળી. આપણે ગુજરાતીઓ વડા પ્રધાનના સપોર્ટર છીએ, પણ આવી રીતે મતદારોને ટેકન ફૉર ગ્રાન્ટેડ તો ન જ લેવાય. મને લાગે છે કે તેમને તેમનો આ નિર્ણય ભારે પડશે.’
ભુલેશ્વરમાં પાઘડીના મકાનમાં રહેતા એક વેપારીએ કહ્યું કે ‘છેલ્લા કેટલાય સમયથી અમારું પુનર્વસનનું કામ અટકી પડ્યું છે. કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી એવામાં પાઘડીનાં ઘરોના કૌભાંડમાં જેમનું નામ છે એવી વ્યક્તિને મત આપીશું તો અમારે માટે તો ‘આ બૈલ મુઝે માર’ જેવી પરિસ્થિતિ ઊભી થશે. અમે ક્યારેય નવા ઘરમાં નહીં જઈ શકીએ.’
મુંબઈ સેન્ટ્રલની નવજીવન સોસાયટીમાં રહેતા એક ઝવેરીએ કહ્યું કે ‘શિવસેનાએ આ બહુ ખોટો નિર્ણય લીધો છે. જેની સામે સેંકડો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ છે એવી વ્યક્તિને ટિકિટ કઈ રીતે આપી શકાય? એનો અર્થ એવો થયો કે એકનાથ શિંદેની પાર્ટી પાસે કોઈ લાયક ઉમેદવાર જ નથી. અમારા ઝવેરીઓના સર્કલમાં તો બધાએ એવું નક્કી કર્યું છે કે એવી વ્યક્તિને મત આપવો જે આપણા કામમાં આવી શકે, નહીં કે આપણી હેરાનગતિ કરે.’
મરીન ડ્રાઇવ પાસે રહેતા એક બિઝનેસમૅને યામિની જાધવની ઉમેદવારી બાબતે કહ્યું કે ‘આ તો મતદારોની મજાક છે. આપણે આવી પાર્ટીને સબક શીખવવો જોઈએ. જો એવું નહીં કરીએ તો આગામી વિધાનસભા અને નગરસેવકની ચૂંટણીમાં આવા જ ઉમેદવારોને આપણા માથે થોપવામાં આ લોકો જરાય સંકોચ નહીં રાખે. આ જ સમય છે આપણે આવી પાર્ટીને મેસેજ આપી દેવો જોઈએ.’
BJP સાથે જોડાયેલી અને ‘સી’ વૉર્ડમાં રહેતી એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે ‘અમારી પાર્ટી તો આજે પણ યામિની જાધવ અને રવીન્દ્ર વાયકરના નામની ખિલાફ છે. આ જ કારણસર આ બેઠકનાં નામ જાહેર કરવામાં આટલો સમય ગયો. જો શિવસેનાએ પોતાની પાસે આ બેઠક રાખવી હતી તો તેમણે મિલિંદ દેવરાને ચૂંટણી લડાવવી જોઈતી હતી. મતદારોમાં ખોટો મેસેજ ગયો હોવાનું અત્યારે તો અમને લાગી રહ્યું છે.’
યામિની જાધવ અને તેમના પતિ યશવંત જાધવ સામે શું છે આરોપ?
૨૦૧૯માં યામિની જાધવે ઇલેક્શન લડવા માટે જે નૉમિનેશન ફૉર્મ ભર્યું હતું એમાં દાખલ કરેલા ઍફિડેવિટમાં વિસંગતિ હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ૨૦૨૦માં ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે યામિની જાધવે દાખલ કરેલા ઍફિડેવિટની તપાસ શરૂ કરી હતી. આ ઍફિડેવિટમાં પોતાની મિલકત ઉપરાંત તેમણે પ્રધાન ડીલર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પાસેથી એક કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું બતાવ્યું હતું. એની તપાસ કરતાં IT ડિપાર્ટમેન્ટને ખબર પડી હતી કે આ તો કલકત્તાના એક હવાલા ઑપરેટરે બનાવેલી બોગસ કંપની છે.
IT ડિપાર્ટમેન્ટે કરેલી તપાસમાં હવાલા ઑપરેટર ઉદય મહાવરે કહ્યું હતું કે યશવંત જાધવે હવાલા મારફત તેમને ૧૫ કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા, આ રૂપિયા તેમણે પ્રધાન ડીલર્સ કંપનીમાં ભર્યા હતા અને એ પૈસા પાછા યશવંત જાધવ સાથે જોડાયેલા લોકોની કંપનીને લોન તરીકે આપ્યા હતા.
યશવંત જાધવ ૨૦૧૮થી ૨૦૨૨ સુધી BMCમાં સ્ટૅન્ડિંગ કમિટીમાં ચૅરમૅન હતા એ દરમ્યાન આ ટ્રાન્ઝૅક્શન્સ થયાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ત્યાર બાદ ૨૦૨૨માં ઇન્કમ ટૅક્સ વિભાગે યશવંત જાધવના ઘરે રેઇડ પાડી હતી. ત્રણ દિવસ ચાલેલી આ રેઇડમાં ઘણી માહિતી IT ડિપાર્ટમેન્ટને હાથ લાગી હતી, પરંતુ એમાં સૌથી ચર્ચાસ્પદ અને શૉકિંગ બાબત હતી ભાયખલામાં આવેલા બિલાકડી ચેમ્બર્સના ૩૧ ઘરના ટેનન્સી રાઇટ્સની રોકડામાં થયેલી ખરીદી.
આ બધી પ્રૉપર્ટી જાધવ-કપલે રોકડા રૂપિયા આપીને પોતાના નામે કરી લીધી હતી. ભાયખલામાં આવેલી ક્રાઉન ઇમ્પીરિયલ હોટેલ પણ તેમણે ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જોકે નવાઈની વાત એ હતી કે એ હોટેલ યામિની જાધવનાં મમ્મી સુનંદા મોહિતેના નામે ખરીદવામાં આવી હતી. એ સિવાય બીજી ૧૪ પ્રૉપર્ટી પણ જાધવ-કપલના નામે હોવાનું બહાર આવ્યું હતું.
આ જ રેઇડમાં ITના હાથે એક ડાયરી લાગી હતી જેમાં ‘બે કરોડ માતોશ્રી’ લખેલું હતું.
જાધવ-કપલે એક ભાડૂતને હવાલા મારફત વિદેશમાં પૈસા આપ્યા હોવાથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ (FEMA)નું ઉલ્લંઘન કરવા બદલ તેમની ખિલાફ તપાસ શરૂ કરી હતી.
જાધવ-કપલના કન્ટ્રોલ હેઠળની કંપનીઓ કાગળ પરની હોવાથી રજિસ્ટ્રાર્સ ઑફ કંપનીઝ (ROC)એ પણ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. એણે મરીન ડ્રાઇવ પોલીસને ફરિયાદ કરીને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવાનું કહ્યું હતું.
ત્રણ વર્ષ પહેલાં ઇલેક્શન કમિશને ચૂંટણીપંચને યામિની જાધવે ઇલેક્શનના ઍફિડેવિટમાં માહિતી છૂપાવી હોવાનું કહીને તેમને વિધાનસભ્યપદેથી દૂર કરવાની ભલામણ કરી હતી. જોકે એના પર હજી સુધી કોઈ ઍક્શન લેવામાં આવી નથી.
યામિની જાધવે ઇલેક્શનનું ફૉર્મ ભરતી વખતે જે નવું ઍફિડેવિટ દાખલ કર્યું છે એમાં જાહેર કર્યું છે કે IT ડિપાર્ટમેન્ટે મારી પાસે ૧૪૩ કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી છે. ૨૦૧૮થી ૨૦૨૨ના સમયગાળા દરમ્યાન ટૅક્સચોરી કરવા બદલ આ ડિમાન્ડ કરવામાં આવી છે. જોકે તેમણે ITના આ નિર્ણયને ઇન્કમ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલમાં પડકાર્યો છે અને ત્યાં આ મૅટર પેન્ડિંગ છે.