ડ્રાઇવરો મતદાન કરવા માટે દેશમાં ગયા હોવાથી રિક્ષા-ટૅક્સીની અછત

13 May, 2024 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલ ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવતા ડ્રાઇવરો પણ મોટી સંખ્યામાં ગામમાં ગયા હોવાથી ટેમ્પો અને ટ્રક-ડ્રાઇવરોની પણ અછત વર્તાઈ રહી છે. 

પ્રતીકાત્મક તસવીર

લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મુંબઈમાં એની અસર અલગ રીતે જ જોવા મળી રહી છે. રિક્ષા-ટૅક્સીના અંદાજે ૨૦થી ૩૦ ટકા જેટલા ડ્રાઇવરો મતદાન કરવા દેશમાં ગયા હોવાથી મુંબઈગરાઓને રિક્ષા-ટૅક્સી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એમાં પાછી અત્યારે સખત ગરમી પડી રહી છે ત્યારે ટૅક્સી-રિક્ષાના ઘણા ડ્રાઇવરો તેમનાં વાહનો રસ્તાની એક બાજુ પાર્ક કરે છે જેને કારણે ૫૦ ટકા જેટલી રિક્ષાઓ એ સમયે રસ્તા પરથી ગાયબ રહે છે. મુંબઈમાં દોડતી રિક્ષા અને ટૅક્સી મોટા ભાગે ઉત્તર ભારતીયો અને મરાઠી ​ડ્રાઇવરો ચલાવતા હોય છે. એક તો હાલ વેકેશન ચાલી રહ્યું છે અને લગ્નસરા પણ હોવાથી ઘણા ડ્રાઇવરો વતન જતા હોય છે. એમાં આ વખતે લોકસભાની ચૂંટણી હોવાથી અનેક ડ્રાઇવરો વો​ટિંગ કરવા અને સાથે-સાથે પરિવારને મળી લેવાય એવી ગણતરી સાથે વતન ગયા છે. એથી મુંબઈગરાઓને રિક્ષા-ટૅક્સી મળવી હાલ મુશ્કેલ થઈ ગયું છે.​ હાલ ટ્રાન્સપોર્ટનાં વાહનો ચલાવતા ડ્રાઇવરો પણ મોટી સંખ્યામાં ગામમાં ગયા હોવાથી ટેમ્પો અને ટ્રક-ડ્રાઇવરોની પણ અછત વર્તાઈ રહી છે. 

mumbai news Lok Sabha Election 2024