પોતાના સ્વાર્થ માટે મહારાષ્ટ્રમાં પક્ષ ફોડવાના જનક શરદ પવાર

13 May, 2024 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯ વર્ષ બાદ થાણેની પ્રચારસભામાં રાજ ઠાકરે મહાવિકાસ આઘાડી પર વરસી પડ્યા

ગઈ કાલે કલવામાં રાજ ઠાકરેની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. (તસવીર : સમીર માર્કન્ડે)

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ ૨૦૦૫માં શિવસેના છોડ્યા બાદ પહેલી વખત ગઈ કાલે થાણેમાં દિવંગત આનંદ દીઘેના સ્મૃતિસ્થળ આનંદ આશ્રમની મુલાકાત લઈને આદરાંજલિ આપી હતી. એ પછી મહાયુતિના લોકસભાની થાણે બેઠકના ઉમેદવાર નરેશ મ્હસ્કે અને કલ્યાણ બેઠકના ઉમદેવાર ડૉ. શ્રીકાંત શિંદેના પ્રચાર માટે આયોજિત કરવામાં આવેલી સભામાં રાજ ઠાકરેએ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા હતા. રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં પક્ષ ફોડીને સત્તા મેળવવાની શરૂઆત શરદ પવારે કરી હતી. ૧૯૭૭-’૭૮માં તેમણે કૉન્ગ્રેસ ફોડીને સત્તા મેળવી. ૧૯૯૦માં છગન ભુજબળને પોતાની સાથે લઈને શિવસેના ફોડી. એ પછી નારાયણ રાણેના માધ્યમથી ફરી શિવસેના ફોડી. એ સમયે કોઈએ બૂમાબૂમ નહોતી કરી. વડીલની ચોરી કરી હોવાનું બોલનારાઓને મારે પૂછવું છે કે બાળાસાહેબની ટીકા કરનારી સુષમા અંધારેને તમારાં પ્રવક્તા બનાવતી વખતે તમારો પિતાપ્રેમ ક્યાં ગયો? ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી સાથેની યુતિમાં ચૂંટણી લડ્યા બાદ જનતાને જનાધાર આપ્યો ત્યારે મુખ્ય પ્રધાન બનવા માટે કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી સાથે હાથ મિલાવ્યા. આમ કરીને મહારાષ્ટ્રના લાખો મતદારોનો દ્રોહ કરનારા અત્યારે તેમના પ્રત્યે લોકોને સિમ્પથી હોવાનો દાવો કયા મોઢે કરી રહ્યા છે?’

વિકાસની સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે એ વિશે રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘કોઈ પણ દેશ માટે સુરક્ષા મહત્ત્વનો મુદ્દો હોય છે. દસ વર્ષ પહેલાં ભારતમાં કેવી સુરક્ષા હતી એ આપણે સૌ જાણીએ છીએ. બીજા ક્યાંયની નહીં, મુંબ્રાની જ વાત કરીએ તો ૨૦૦૧થી અત્યાર સુધીમાં આ વિસ્તારમાંથી અનેક મુસ્લિમ આતંકવાદીઓ પકડાયા છે. ભારતમાં મોટી સંખ્યામાં દેશપ્રેમી મુસલમાનો રહે છે, પણ કેટલાક દેશદ્રોહી મુસલમાનોને લીધે આપણું જીવન જોખમમાં મુકાય છે. આવા મુસલમાનો જ કૉન્ગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારોને મત આપવા માટેના ફતવા કાઢે છે. આવા લોકો પર નજર રાખવી જરૂરી છે એટલે જ અત્યારની કેન્દ્ર સરકારના હાથ મજબૂત થશે તો અંગત સ્વાર્થ માટેનું રાજકારણ કરનારાઓને આપણે પરાજિત કરી શકીશું. શ્રીકાંત શિંદે અને નરેશ મ્હસ્કેએ થાણેના વિકાસની સાથે સુરક્ષાની જવાબદારી પણ સંભાળવી પડશે.’

mumbai news Lok Sabha Election 2024 maharashtra navnirman sena maha vikas aghadi raj thackeray thane