દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદેથી ખસી જવાની ઇચ્છા વ્યક્ત કરીને કહ્યું...

06 June, 2024 08:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરાજયની જવાબદારી મારી જ, હું ઊણો ઊતર્યો, હવે મારે વિધાનસભા માટે પૂરો સમય આપવો છે એટલે હાઈ કમાન્ડને વિનંતી કરવાનો છું કે મને સરકારમાંથી મુક્ત કરી દે

ગઈ કાલે BJPની ઑફિસમાં પત્રકારોને સંબોધન કરતા દેવેન્દ્ર ફડણવીસ

લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મહારાષ્ટ્રમાં મળેલા પરાભવ પર ચર્ચા કરવા ગઈ કાલે રાજ્યના BJPના વ​રિષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. એ પછી દેવેન્દ્ર ફડણવીસે બહાર આવીને પત્રકારોને કહ્યું હતું કે હું આ પરાજયની જવાબદારી સ્વીકારું છું. શા માટે પરાજયની થયો એ પણ તેમણે જણાવ્યું હતું અને ત્યાર બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરપદેથી રાજીનામું આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીને નજરમાં રાખીને પક્ષ માટે તેઓ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા માગે છે, પણ એ માટે તેમને ડેપ્યુટી ચીફ મિ​નિસ્ટરના પદની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.

બેઠકો ઓછી આ‍વી છે એ હકીકત છે અને એથી એ માન્ય કરવું જ પડશે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં આ ચૂંટણીનું નેતૃત્વ BJPમાં હું કરી રહ્યો હતો. જે કંઈ પરાભવ થયો છે, બેઠકો ઓછી આવી છે એની બધી જ જવાબદારી મારી છે. એ હું સ્વીકારું છું. હું એ કબૂલ કરું છે કે ક્યાંક હું પોતે આમાં ઊણો ઊતર્યો છું. એ કમી ભરી કાઢવાના હું પૂરા પ્રયાસ કરીશ. એથી રાજ્યમાં BJPને આ જે સેટબૅક સહન કરવો પડ્યો છે એની બધી જ જવાબદારી હું સ્વીકારું છું. હું ભાગી જવાવાળો માણસ નથી. વધારે જોમથી મેદાનમાં ઊતરીશ અને આખી પાર્ટીને સાથે લઈને અમે લોકો નવી સ્ટ્રૅટેજી તૈયાર કરીશું. આ નવી સ્ટ્રૅટેજી લોકો સુધી લઈ જઈને તેમનો વિશ્વાસ ફરી એક વાર જીતીશું. હવે મારે વિધાનસભા માટે પૂરો સમય આપવો છે એટલે હું પાર્ટી હાઇકમાન્ડને વિનંતી કરવાનો છું કે તેઓ મને સરકારમાંથી મુક્ત કરે જેથી પક્ષ માટે હું ફુલટાઇમ કામ કરી શકું. હું સરકારમાં નહીં હોઉં પણ બહારથી અમારી ટીમ સાથે કામ કરતો રહીશ. આ માટે હું ટૂંક સમયમાં પાર્ટી હાઇકમાન્ડને મળીશ અને એ પછી તેમની સલાહ મુજબ તેઓ જે કહેશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરીશ.’

બંધારણમાં ફેરફાર કરીશું એ ખોટા પ્રચારને ખાળી ન શક્યા

ઓછી બેઠકો શા માટે મળી એનું કારણ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં અમને અ​પેક્ષા મુજબની બેઠકો મળી નથી, એના કરતાં ઓછી બેઠકો મળી છે. રાજ્યમાં જે રીતે અમારી લડાઈ મહાવિકાસ આઘાડીના ત્રણ પક્ષો સાથે હતી એ રીતે તેમના દ્વારા કરાયેલા ખોટા પ્રચારનો પણ અમારે સામનો કરવો પડ્યો. તેમનું એમ કહેવું હતું કે જો અમે સત્તા પર આવીશું તો બંધારણમાં ફેરફાર કરીશું. એ ખોટા પ્રચારને અમારે રોકવો જોઈતો હતો જે અમે ન કરી શક્યા અને એથી એનો અમને મોટો ફટકો પડ્યો.’

એકાદી હાર-જીતથી અમે પડી ભાંગીએ એવું નથી, જે યશ કે અપયશ મળ્યો છે એની જવાબદારી અમારા બધાની : એકનાથ શિંદે

દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની કરેલી રજૂઆતના પગલે મુખ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘એકાદ ચૂંટણીમાં નિષ્ફળતા મળતાં કંઈ બધું પતી નથી જતું. એકાદ ચૂંટણીની હાર-જીતથી અમે પડી ભાંગીએ એવું નથી. તેમણે પોતાની ભાવના વ્યક્ત કરી હશે, પણ એક ટીમ તરીકે અમે કામ કરતા રહીશું. ચૂંટણીમાં હાર-જીત તો થતી રહેતી હોય છે. જો મતની ટકાવારી જોઈએ તો મહાવિકાસ આઘાડી અને મહાયુતિને લગભગ સરખા જ મત મળ્યા છે. મુંબઈમાં તો અમને વિરોધપક્ષ કરતાં બે લાખ મત વધુ મળ્યા છે. અમે બધાએ સાથે મળીને કામ કર્યું છે એથી જે યશ કે અપયશ મળ્યો છે એની જવાબાદારી અમારા બધાની સામૂહિક રીતે છે એમ હું માનું છું. અમે એક ટીમ તરીકે આ કામ કર્યું હતું. રાજ્યમાં પણ સારું કામ થયું છે. દેવેન્દ્ર ફડણવીસ, મારે અને અ​જિત પવારે સાથે મળીને એક ટીમ તરીકે હજી આગળ કામ કરવાનું છે. હું દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીશ.’

ફડણવીસ સરકારમાં જ રહીને કામ કરી શકે છે : ચંદ્રશેખર બાવનકુળે

BJPના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે ‘બેઠકો ઓછી આવી છે એનું દુ:ખ બધાને જ છે. ફક્ત દેવેન્દ્ર ફડણવીસની નહીં, અમારા બધાની જવાબદારી છે. આવનારા સમયમાં દેવેન્દ્ર ફડણવીસ સાથે અમે રાજ્યનો વિકાસ કરીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું. અમે દેવેન્દ્રજીને વિનંતી કરી છે કે અઠવાડિયાના ચાર દિવસ તે પક્ષ અને સંગઠન માટે આપે અને ત્રણ દિવસ સરકારને આપે. અમે તેમને વિનંતી કરી છે કે તેઓ સરકારમાં રહીને જ અમારી સાથે કામ કરી શકે છે. અમારી જે ત્રુટિઓ રહી ગઈ છે એના પર અમે કામ કરીશું.’

Lok Sabha Election 2024 devendra fadnavis bharatiya janata party maharashtra news maharashtra political crisis eknath shinde shiv sena mumbai mumbai news