24 May, 2024 01:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ છે ત્યારે કયા પક્ષના કયા વરિષ્ઠ નેતાએ કેટલી સભા કરી હતી એની માહિતી જાણવા મળી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં બે મહિનાના ચૂંટણીપ્રચારમાં સૌથી વધુ ૧૧૬ જાહેર સભા કરી હતી. તેમણે દરેક લોકસભા બેઠકમાં એકથી વધુ પ્રચારસભા સંબોધિત કરી હતી. તેમણે વિદર્ભ ક્ષેત્રમાં ૩૯ સભા કરી હતી.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે રાજ્યભરમાં ૧૦૦ જાહેર બેઠક કરી હતી. પોતાની પાર્ટીના ઉમેદવારો માટે સભા કરવાની સાથે તેઓ ગામોમાં પણ નાની નાની બેઠકોમાં સામેલ થયા હતા.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમના પક્ષના ઉમેદવારો ઉપરાંત મહાયુતિના ઉમેદવારો માટેની ૮૧ સભા અને રોડ-શોમાં સામેલ થયા હતા. શરદ પવાર પણ ૬૦ સભામાં સામેલ થવાની સાથે ખેડૂત, ટ્રેડર્સ અને પહેલવાનોની નાની-નાની બેઠકોમાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ સભા તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ૧૨ સભા સંબોધી હતી.