16 May, 2024 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપર મેટ્રો સ્ટેશન પાસે અટવાયેલાં પ્રવાસીઓ
ઘાટકોપરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગઈ કાલે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર રોડ-શો હોવાથી મુંબઈની મેટ્રો વન સાંજના છ વાગ્યાથી રાતના ૭.૪૦ વાગ્યા સુધી ઘાટકોપરથી જતી નહોતી અને ઘાટકોપર સુધી આવતી નહોતી. એને કારણે મેટ્રોના હજારો મુસાફરોએ ઑફિસથી ઘરે પહોંચવા માટે હાલાકી ભોગવવી પડી હતી.
અમે ઑફિસથી છૂટીને ઘરે પહોંચવા માટે વિક્રોલીના કૈલાસ કૉમ્પ્લેક્સથી દોઢ કિલોમીટર ચાલીને અમારા રોજિંદા ક્રમ પ્રમાણે ઘાટકોપર મેટ્રો પકડવા આવ્યા હતા એમ જણાવતાં અંધેરીમાં રહેતા અમરીશ કપૂરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને નરેન્દ્ર મોદીના રોડ-શોની ખબર હતી, પણ એને કારણે મેટ્રો બંધ થશે એની જાણકારી નહોતી. અમે સ્ટેશન પર પહોંચ્યા તો અમને મેટ્રોની જાળી બંધ જોવા મળી. ત્યારે અમને ખબર પડી કે મેટ્રો બંધ છે. અમે જેન્ટ્સ તો ગમે એમ ઘરે પહોંચી જઈશું, પરંતુ અમારી સાથેની બધી મહિલાઓ હતાશ થઈ ગઈ હતી. બધી બાજુના રોડ બંધ કરી દીધા હોવાથી તેમના માટે લોકલ ટ્રેન સિવાય કોઈ જ વિકલ્પ નહોતો. અમારી એક મહિલા સાથીદારનું તો આ સમાચાર સાંભળતાં જ બ્લડ-પ્રેશર લો થઈ ગયું હતું.’
ઘાટકોપરની ભટ્ટવાડીમાં રહેતા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક કંપનીમાં નોકરી કરતા જિલેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા જેવા અનેક લોકોએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી સાંજના ૫.૫૫ વાગ્યે ઘાટકોપર આવવા છ વાગ્યા પહેલાં મેટ્રો પકડી હતી. જોકે અમને મરોલ પહોંચતાં ટ્રેન આગળ નહીં જાય એમ કહેવાને બદલે બગડી ગઈ છે એમ કહેવામાં આવ્યું હતું. એનાથી મુસાફરો ગુસ્સામાં આવી ગયા હતા, કારણ કે અમને બે કલાક પહેલાં ખબર પડી ગઈ હતી કે છ વાગ્યા પછી મેટ્રો ફક્ત જાગૃતિનગર સુધી જ જવાની છે. ટ્રેનને આગળ લઈ જવા જીદ પકડી એટલે આખરે અમને એ જ ટ્રેનમાં જાગૃતિનગર સુધી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી બધા હેરાન થતા ઘાટકોપર ચાલીને આવ્યા હતા.’