23 May, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વર્લ્ડ ચાઇલ્ડ ઓબેસિટી ડે નિમિત્તે હોટેલ તાજ મહલ પૅલેસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મહાયુતિના સાથીઓ દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે પણ જોડાયા હતા. મુંબઈ અને મહારાષ્ટ્રમાં બધી બેઠકો પર મતદાન પૂરું થઈ ગયું છે એની નિરાંત બન્નેના ચહેરા પર દેખાતી હતી. (તસવીર : અતુલ કાંબળે)
મુંબઈમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડપણ હેઠળની મહાયુતિને મુંબઈના ગુજરાતી, મરાઠી અને ઉત્તર ભારતીય વિસ્તારોમાં થયેલા નોંધપાત્ર મતદાનને કારણે જીતની આશા છે. મહાયુતિના નેતાઓનું માનવું છે કે જ્યાં લઘુમતીની વસ્તી વધારે છે એવા વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે અને તેથી મહાવિકાસ આઘાડીને ફટકો પડશે. શિવસેનામાં ભંગાણ પછી ઉદ્ધવ ઠાકરે પ્રતિ લોકોને સહાનુભૂતિ થઈ હતી, પણ એનો ફાયદો તેમને થતો દેખાતો નથી.
BJPના ગઢ સમા વિસ્તારો મુલુંડ (૬૧.૩૩), બોરીવલી (૬૨.૫ ટકા), ચારકોપ (૫૭.૮૩ ટકા), વિલે પાર્લે (૫૬ ટકા), કાંદિવલી-ઈસ્ટ (૫૪.૪૮ ટકા), દહિસર (૫૭.૧૨ ટકા), વડાલા (૫૭.૧૧ ટકા), ઘાટકોપર-ઈસ્ટ (૫૭.૮૫ ટકા) અને ઘાટકોપર-વેસ્ટ (૫૫.૦૯ ટકા)માં સારું મતદાન થયું છે. આ તમામ વિસ્તારોમાં BJPના વિધાનસભ્યો છે.
જ્યાં લઘુમતીઓની વસ્તી વધારે છે એવા વિસ્તારોમાં ઓછું મતદાન થયું છે જેમાં કુર્લા (૫૧.૮૬ ટકા), ચાંદિવલી (૪૯.૪૩ ટકા), માનખુર્દ (૫૦.૪૮
ટકા) અને મુંબાદેવી (૫૦.૦૪ ટકા)નો સમાવેશ છે.
મતદાનના આંકડાના મુદ્દે બોલતાં BJPના એક નેતાએ કહ્યું હતું કે ‘અમારી ધારણા છે કે ગુજરાતી, મરાઠી અને ઉત્તર ભારતીય લોકોના મત પૈકી ૯૦ ટકા અમને જ મળશે. મરાઠી મત કદાચ શિંદેસેના અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે વિભાજિત થઈ શકે છે. રાજ ઠાકરેનું સમર્થન કરનારા મતદારોના મત અમને મળ્યા છે.’
બીજી તરફ BJPના એક વિધાનસભ્યે કહ્યું હતું કે આ વખતે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી કરતાં વધારે મતદાન થયું છે જે અમારી તરફેણમાં જઈ શકે છે.
મુંબઈ નૉર્થ ઈસ્ટમાં મુલુંડ જેવા ગુજરાતી મતદારો ધરાવતા વિસ્તારમાં ૬૧.૩૩ ટકા મતદાન થયું હતું, જ્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના વિધાનસભ્ય જ્યાં છે એવા વિક્રોલીમાં માત્ર ૫૪.૪૫ ટકા મતદાન થયું છે. લઘુમતીની વસ્તી વધારે ધરાવતા માનખુર્દમાં ૫૦.૪૮ ટકા મતદાન થયું છે જે દર્શાવે છે કે BJPના ઉમેદવાર મિહિર કોટેચાને ફાયદો થશે.
મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં સેનાભવન આવેલું છે એ માહિમમાં ૫૭.૯૭ ટકા મતદાન થયું છે, પણ કૉન્ગ્રેસના ગઢ સમા ધારાવીમાં માત્ર ૪૮.૫૨ ટકા મતદાન થયું છે. મરાઠી અને મુસ્લિમ મતદારો ધરાવતા સાયન-કોલીવાડામાં ૫૧.૬૩ ટકા મતદાન થયું છે. માહિમમાં મરાઠી અને મુસ્લિમ મતદારો છે, પણ વર્તમાન વિધાનસભ્ય શિવસેના શિંદે ગ્રુપના છે એટલે વધારે મતદાન ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને થયું હોય એવું લાગતું નથી. વળી ધારાવીમાં પણ ઓછું મતદાન મહાવિકાસ આઘાડીના વિરોધમાં જ જણાય છે એમ BJPનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ નૉર્થ વેસ્ટ અને મુંબઈ સાઉથમાં મહાયુતિને ઝટકો મળી શકે એમ તેઓ કબૂલી રહ્યા છે. મુંબઈ નૉર્થ વેસ્ટમાં મહાયુતિના ઉમેદવાર રવીન્દ્ર વાયકર છે જેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ના કેસ શરૂ થતાં તેઓ શિંદેસેનામાં જોડાઈ ગયા છે. વાયકરને ચૂંટણી લડવી નહોતી. લાગે છે કે રિઝલ્ટમાં આ બાબત અસર કરશે.
બીજી તરફ મુંબઈ સાઉથમાં કોલાબામાં BJPના વિધાનસભ્ય હોવા છતાં માત્ર ૪૩.૬૮ ટકા મતદાન થયું હતું અને BJPના વિધાનસભ્ય ધરાવતા મલબાર હિલમાં પણ ૨૦૧૯ના ૫૬.૧ ટકા મતદાન સામે આ વખતે માત્ર ૫૧.૭૭ ટકા મતદાન થયું છે.