13 May, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડણવીસ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથેની યુતિ ઉદ્ધવ ઠાકરેએ ૨૦૧૯માં તોડી હતી, પરંતુ ૧૯૯૯માં BJP-શિવસેનાની યુતિ હતી ત્યારે જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં જોવા માંડ્યાં હોવાનો દાવો મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કર્યો હતો. એક મરાઠી અખબારને આપેલી મુલાકાતમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે BJP સાથેની યુતિ તોડીને કૉન્ગ્રેસ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સાથે જશે એવું અમને ક્યારેય નહોતું લાગ્યું. અમે વૈચારિક નિષ્ઠાને વધુ મહત્ત્વ આપીએ છીએ. બાળાસાહેબ ઠાકરેનો પુત્ર વિચારધારાને વળગીને રહેશે એનો અમને વિશ્વાસ હતો જે અમારી સૌથી મોટી ભૂલ હતી. બાળાસાહેબ ઠાકરે માટેના આદરને લીધે કેટલીક વાતો અમે બોલતા નથી. સત્ય એ છે કે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં યુતિની સરકાર બન્યા બાદ મુખ્ય પ્રધાન બનવાનાં સપનાં આવવા લાગ્યાં હતાં. ૧૯૯૯માં જ તેમને મુખ્ય પ્રધાન બનવું હતું અને એ માટે તેમણે અપક્ષ વિધાનસભ્યોની માગણીઓ પર ધ્યાન નહોતું આપ્યું. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં યુતિને સ્પષ્ટ બહુમત મળ્યો ત્યારે મારે મુખ્ય પ્રધાનને બદલે વિરોધ પક્ષ નેતા બનવું પડ્યું હતું એનું મને દુઃખ થયું હતું.’