મહારાષ્ટ્રની ૪૮ બેઠકની મતગણતરી માટે ૪૮ સેન્ટરમાં ૪૩૦૯ કાઉન્ટિંગ ટેબલ, ૧૪,૫૦૭ કર્મચારી

04 June, 2024 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૪૮ લોકસભા બેઠકમાં પાંચ તબક્કામાં થયેલા મતદાનની ગણતરી ૪૮ સેન્ટરમાં ૪૩૦૯ ટેબલ પર ૧૪,૫૦૭ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે

ગઈ કાલે ગોરેગામના નેસ્કો સેન્ટરની બહાર પોલીસબંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. (તસવીર- સતેજ શિંદે)

મહારાષ્ટ્રની ૪૮ બેઠકની મતગણતરી બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે ગઈ કાલે માહિતી આપી હતી કે ૪૮ લોકસભા બેઠકમાં પાંચ તબક્કામાં થયેલા મતદાનની ગણતરી ૪૮ સેન્ટરમાં ૪૩૦૯ ટેબલ પર ૧૪,૫૦૭ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. દરેક સેન્ટરની આસપાસ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લોકસભા બેઠકમાં સમાવેશ થતી દરેક વિધાનભા પ્રમાણે મતની ગણતરી કરવામાં આવશે. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન્સ (EVM) જ્યાં રાખવામાં આવ્યાં છે એ સ્ટ્રૉન્ગ-રૂમ સવારે ૭ વાગ્યે ખોલવામાં આવશે અને ૮ વાગ્યે પહેલાં પોસ્ટલ મત અને બાદમાં EVMમાં થયેલા મતની ગણતરી થશે. દરેક સેન્ટરમાં વિધાનસભા પ્રમાણે મતગણતરી કરવામાં આવશે. દા. ત. દહિસર વિધાનસભાની ગણતરી પૂરી થયા બાદ બોરીવલી વિધાનસભાની ગણતરી શરૂ કરવામાં આવશે. 

૬ બેઠક, ૩ સેન્ટર

મુંબઈ સાઉથ, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ, મુંબઈ નૉર્થ-સેન્ટ્રલ, મુંબઈ નૉર્થ-વેસ્ટ, મુંબઈ નૉર્થ-ઈસ્ટ અને મુંબઈ નૉર્થ આ છ લોકસભા બેઠકની મતગણતરી ત્રણ સેન્ટરમાં થશે. આમાંથી મુંબઈ નૉર્થ, મુંબઈ નૉર્થ-વેસ્ટ, મુંબઈ નૉર્થ-સેન્ટ્રલ બેઠકોની ગણતરી ગોરેગામના નેસ્કો સેન્ટરમાં, મુંબઈ સાઉથ-સેન્ટ્રલ અને મુંબઈ સાઉથ બેઠકની ગણતરી શિવડી ઈસ્ટના ન્યુ શિવડી વેરહાઉસમાં તો મુંબઈ નૉર્થ-ઈસ્ટ બેઠકની ગણતરી વિક્રોલી ઈસ્ટની ઉદ્યાંચલ પ્રાઇમરી સ્કૂલમાં કરવામાં આવશે.

નેસ્કો સુધીનો સર્વિસ રોડ બંધ

ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ત્રણ લોકસભા બેઠકની ગણતરી થશે એટલે સલામતી અને ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય એ માટે પોલીસે ટ્રાફિકના નિયમનમાં ફેરફાર કર્યા છે. મુંબઈ પોલીસના જોગેશ્વરી ટ્રાફિક વિભાગે જાહેર કરેલી પ્રેસનોટ મુજબ જોગેશ્વરી ઈસ્ટમાં સર્વિસ રોડ પર જયકોચથી નેસ્કો જંક્શન સુધી આજે સાંજના ૬ વાગ્યા સુધી વાહનોને પ્રવેશ નહીં આપવામાં આવે.

mumbai news mumbai maharashtra news Lok Sabha Election 2024 election commission of india maharashtra