28 March, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવનીત રાણા
પક્ષાંતર્ગત વિરોધ અને સાથી પક્ષ પ્રહારના બચ્ચુ કડુ દ્વારા વિરોધ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમરાવતીનાં નવનીત રાણાને જ પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યાં છે. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં નવનીત રાણા આ પહેલાં NCPના સમર્થન સાથે સંસદસભ્ય બન્યાં હતાં. જોકે એ પછી દોઢ જ વર્ષમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપ સ્વીકારીને તેમને ફુલ સપોર્ટ આપ્યો હતો અને BJPના સમર્થનમાં અનેક વાર લોકસભા પણ ગજવી હતી. એનો તેમને બદલો મળી ગયો છે. BJPએ તેમના નામ પર મહોર મારીને અમરાવતીમાંથી તેમને ઉમેદવારી આપી છે. નવનીત રાણા હવે કમળના ચિહ્ન હેઠળ જ લોકસભાની ચૂંટણી લડશે. તેઓ BJPમાં જોડાઈ જશે. આમ હવે અમરાવતીમાં BJPનાં નવનીત રાણા અને કૉન્ગ્રેસના બળવંત વાનખેડે વચ્ચે ચૂંટણીજંગ જોવા મળશે.
યાદ છે હનુમાનચાલીસા પ્રકરણ?
ભૂતપૂર્વ ઍક્ટ્રેસ નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણા મહારાષ્ટ્રમાં શિવસેનાના ભાગલા પડ્યા અને એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેથી અલગ થયા ત્યાર બાદ લાઇમલાઇટમાં આવ્યાં હતાં. ઉદ્ધવ ઠાકરેના બાંદરાના નિવાસસ્થાન સામે હનુમાનચાલીસા વાંચવાનો તેમણે કરેલો નિર્ધાર, ઉદ્ધવ ઠાકરેના સમર્થકો દ્વારા એનો થયેલો જોરદાર વિરોધ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનો છડેચોક વિરોધ અને એ બાબતે નવનીત રાણાએ લીધેલું મજબૂત સ્ટૅન્ડ મહારાષ્ટ્રની જનતાને જોવા મળ્યું હતું. એટલું જ નહીં, લોકસભામાં પણ અનેક મુદ્દે સ્પષ્ટ વિચારો અને મુદ્દાસર અને જુસ્સાભેર વાતની રજૂઆત કરવાની તેમની કાબેલિયત દેખાઈ આવી હતી. એથી BJPએ પોતાના પક્ષમાંથી વિરોધ હોવા છતાં તેમના નામને આગળ કરીને તેમને ઉમેદવારી આપી હોવાનું રાજકીય નિરીક્ષકોનું માનવું છે.