મુંબઈ સબર્બન બીજા અને થાણે જિલ્લો ત્રીજા નંબરે

13 April, 2024 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યભરના કુલ ૯,૨૪,૯૧,૮૦૬ મતદારમાંથી પુણે જિલ્લામાં સૌથી વધુ, મુંબઈ સબર્બન બીજા અને થાણે જિલ્લો ત્રીજા નંબરે

મતદાન માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં લોકસભાની ૪૮ બેઠક માટે ૧૯ અને ૨૬ એપ્રિલ તેમ જ ૭, ૧૩ અને ૨૦ મેએ મતદાન થવાનું છે એ માટે રાજ્યના ચૂંટણીપંચે તૈયારીઓ પૂરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ૮ એપ્રિલ સુધી રાજ્યભરમાં ૪,૮૦,૮૧,૬૩૮ પુરુષ અને ૪,૪૪,૦૪,૫૫૧ મહિલા તેમ જ ૫,૬૧૭ તૃતીયપંથી મળીને કુલ ૯,૨૪,૯૧,૮૦૬ મતદાર નોંધાયા છે. રાજ્યના ૩૬ જિલ્લામાંથી સૌથી વધુ ૮૨,૮૨,૩૬૩ મતદાર પુણે જિલ્લામાં તો મુંબઈ સબર્બન જિલ્લામાં ૭૩,૫૩,૫૯૬ મતદાર નોંધાયા છે. મતદારોની સંખ્યા બાબતે થાણે જિલ્લો ત્રીજો છે, જેમાં ૬૫,૭૯,૫૮૮ મતદાર છે. 

રાજ્યના ચૂંટણીપંચે આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં અહમદનગર, સોલાપુર, જળગાંવ, કોલ્હાપુર અને છત્રપતિ સંભાજીનગરમાં ૩૦ લાખથી વધુ મતદારો નોંધવામાં આવ્યા છે. આ સિવાય રત્નાગિરિ, નંદુરબાર, ગોંદિયા અને સિંધુદુર્ગ જિલ્લામાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું જણાઈ આવ્યું છે. 

લોકસભાની ૧૭માંથી માત્ર ૭ ચૂંટણીમાં ૬૦ ટકાથી વધુ મતદાન
સ્વતંત્રતા બાદ ૧૯૫૨થી ૨૦૧૯ સુધી લોકસભાની ૧૭ ચૂંટણી યોજાઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં માત્ર ૭ વખત ૬૦ ટકા કે એથી વધુ મતદાન નોંધાયું છે. ૧૯૬૨ની ચૂંટણીમાં ૬૦.૪૩ ટકા, ૧૯૬૭માં ૬૪.૭૫ ટકા, ૧૯૭૭માં ૬૦.૩૧ ટકા, ૧૯૮૪માં ૬૧.૭૫ ટકા, ૧૯૯૯માં ૬૦.૯૬ ટકા, ૨૦૧૪માં ૬૦.૩૨ અને ૨૦૧૯માં ૬૪.૧ ટકા મતદાન થયું હતું. ૧૯૬૪માં સૌથી વધુ ૬૪.૭૫ ટકા તો ૧૯૯૧માં સૌથી ઓછા ૪૮.૭૫ ટકા લોકોએ જ મત આપ્યા હતા.

thane Lok Sabha Election 2024 Lok Sabha mumbai news mumbai national news maharashtra news