લોકસભા ચૂંટણીની તૈયારીઓ પહેલાં સતર્ક મુંબઈ પોલીસ, હથિયારોને લઈને કર્યું આ કામ

16 January, 2024 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક અધિકારીના જણાવ્યા અનુસાર, આચારસંહિતા લાગૂ થતાની સાથે જ પોલીસે ચૂંટણી પંચના કેટલાક આદેશોનો તાત્કાલિક અમલ કરવો પડશે

પ્રતીકાત્મક તસવીર

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં હજુ સમય છે, પરંતુ મુંબઈ પોલીસે (Mumbai Police) તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આચારસંહિતા લાગૂ થતાની સાથે જ પોલીસે ચૂંટણી પંચના કેટલાક આદેશોનો તાત્કાલિક અમલ કરવો પડશે. તેમાંથી એક આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જેમની પાસે રિવોલ્વર કે અન્ય કોઈ હથિયાર માટેનું લાઇસન્સ છે, તેમણે તે હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જોઈએ.

મુંબઈમાં 90થી વધુ પોલીસ (Mumbai Police) સ્ટેશન છે. દરેક પોલીસ સ્ટેશન લાયસન્સ ધારકોનો રેકૉર્ડ લઈ રહ્યા છે. આચારસંહિતા લાગુ (Lok Sabha Election 2024) થયા બાદ આ તમામ લોકોનો સંપર્ક કરવામાં આવશે અને તેઓને તેમના હથિયારો સરેન્ડર કરવા માટે કહેવામાં આવશે. ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી આચારસંહિતા યથાવત રહેશે, જેમની પાસેથી હથિયારો જમા કરાવવામાં આવ્યા છે તેઓને પરિણામ જાહેર થયા બાદ જ તેમના હથિયાર પરત મળશે. દરેક પોલીસ સ્ટેશનમાં હથિયારો જમા કરાવવા માટે એક ખાસ કબાટ છે.

આ પોલીસ અધિકારીનું કહેવું છે કે અન્ય શહેરોની સરખામણીમાં મુંબઈમાં કોઈ વ્યક્તિ માટે હથિયારનું લાઇસન્સ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે પણ અરજી મુંબઈ પોલીસ કમિશનર પાસે આવે છે, ત્યારે તેઓ અરજદારની પૃષ્ઠભૂમિ ચકાસવા માટે અરજદાર કોના કાર્યક્ષેત્રમાં રહે છે તે પોલીસ સ્ટેશનને પૂછે છે. જો પોલીસ કમિશનર કોઈને હથિયારનું લાઇસન્સ આપવાનો ઇનકાર કરે છે, તો સંબંધિત વ્યક્તિ ગૃહ મંત્રાલયને અપીલ કરી શકે છે. નિયમ એવો છે કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કોઈને પણ હથિયારનું લાઇસન્સ આપવું જોઈએ નહીં.

પોલીસે રેકૉર્ડ સાથે એવા આરોપીઓની યાદી પણ બનાવવાનું શરૂ કર્યું છે જેઓ આ દિવસોમાં જામીન પર છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે ચૂંટણી દરમિયાન આવા ઘણા લોકોના સંપર્કમાં આવીએ છીએ. જો જરૂર પડે તો કેટલાકને MPDA હેઠળ ધરપકડ કરવામાં આવે છે. પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. CrPCની કલમ 149 હેઠળ ઘણા લોકોને નોટિસ આપવામાં આવી છે. સીઆરપીસીની કલમ 107, કલમ 109 અને 110 હેઠળ તમામ લોકો પાસેથી બોન્ડ બનાવવામાં આવે છે કે તેઓ મતદાનના દિવસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને કોઈ ખલેલ પહોંચાડશે નહીં.”

હથિયાર સપ્લાયર્સ પાસેથી ઈનપુટ લઈ રહી છે પોલીસ

ચૂંટણી પહેલા પોલીસ હથિયાર સપ્લાયરોની પણ સંપૂર્ણ માહિતી એકઠી કરી રહી છે, જેથી શહેરમાં ગેરકાયદેસર હથિયારો વેચી ન શકાય અને તેની તાત્કાલિક જપ્ત કરી શકાય.

ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હુમલાની યોજના, પોલીસે વધારી માતોશ્રીની સુરક્ષા

શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘર નજીક હુમલાની યોજના હોવાની ફોન કોલ માહિતી મળ્યા બાદ પોલીસે માતોશ્રીની સુરક્ષા વધારી દીધી છે. એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે, માતોશ્રીને રવિવારે સાંજે મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમમાંથી હુમલા અંગે ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ફોન કરનાર વ્યક્તિએ પોલીસને કહ્યું કે, માતોશ્રી જોખમમાં છે કારણ કે તેણે ચાર-પાંચ લોકોને ઠાકરેના ઘરની સામે હુમલો થવાની વાત કરતા સાંભળ્યા હતા.

mumbai police Lok Sabha Election 2024 election commission of india mumbai mumbai news