27 March, 2024 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવાજી પાર્કની ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે મુંબઈના શિવાજી પાર્કમાં સભા યોજવા અલગ-અલગ પાર્ટીઓ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં મેદાન મેળવવા સુધરાઈમાં અરજી કરવામાં આવી છે. એમાં શિવસેના (શિંદે જૂથ) મોખરે છે. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી (BJP)નો નંબર આવે છે. એમાં પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - UBT)એ ૧૭ મેએ એક જ દિવસે સભા યોજવાની અરજી કરી હોવાથી મામલો ગરમાય એવી શક્યતા છે.
શિવસેના (શિંદે જૂથ)એ એપ્રિલ મહિનામાં ૧૬, ૧૯ અને ૨૧ તારીખે જ્યારે મે મહિનામાં ૩, ૫ અને ૭ તારીખે મેદાનની માગણી કરી છે. BJPએ ૨૩, ૨૬ અને ૨૮ એપ્રિલે સભા યોજવા મેદાનની માગણી કરી છે. મહાયુતિના ત્રીજા સાથીદાર નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ૨૨, ૨૪ અને ૨૭ એપ્રિલે મેદાનની માગણી કરી છે.
શિવસેના (UBT) અને MNS બન્નેએ ૧૭ મેએ મેદાનની માગણી કરી છે. સુધરાઈ દ્વારા વહેલો તે પહેલોના ધોરણે જનરલી મેદાનની ફાળવણી કરવામાં આવતી હોય છે. જોકે એ માટે પણ કેટલાંક નિયમો અને શરતો રાખવામાં આવતાં હોય છે.