12 February, 2024 08:10 AM IST | Mumbai | Prakash Bambhroliya
દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે
લોકસભાની ચૂંટણીનું રણશિંગું ગમે ત્યારે ફૂંકાઈ શકે છે ત્યારે બીજેપીએ ચૂંટણી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે આ વખતે બીજેપીએ મુંબઈ માટે જુદું ગણિત માંડ્યું હોવાનું કહેવાય છે. મહાનગરની છ લોકસભા બેઠકમાંથી બીજેપી આ વખતે પાંચ બેઠક પર પોતાના ઉમેદવારો ઉતારી શકે છે. અત્યાર સુધી શિવસેના સાથેની યુતિમાં બીજેપીએ ત્રણ-ત્રણ બેઠક લડી છે, પણ શિવસેનાનું ભંગાણ થયા બાદ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવા સામે મુંબઈમાં પોતાનું પ્રભુત્વ વધારવા માટે બીજેપીએ પ્લાન બનાવ્યો હોવાની ચર્ચા છે. એકનાથ શિંદે જૂથની રાહુલ શેવાળેની લોકસભા-સીટ સિવાયની શહેરની પાંચ બેઠક બીજેપીને જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહાયુતિમાં સામેલ રામદાસ આઠવલેએ આગામી લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં એક બેઠક ફાળવવાની માગણી કરી છે. જોકે બીજેપીએ મુંબઈમાં બીજેપી અને શિવસેના વચ્ચે સમજૂતી થઈ છે એટલે આરપીઆઇને એક પણ લોકસભા બેઠક આપવાની શક્યતા નથી એમ કહીને રામદાસ આઠવલેની માગણી માન્ય નથી રાખી. આથી હવે રામદાસ આઠવલેએ શિર્ડીની લોકસભા બેઠક પોતાને આપવાની માગણી કરી છે. શિર્ડીમાં અત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના સદાશિવ લોખંડે સાંસદ છે. મહાયુતિની સમજૂતી મુજબ લોકસભાની બેઠક જે પક્ષ પાસે હોય ત્યાં તે પક્ષને જ બેઠક ફાળવવામાં આવશે. આથી રામદાસ આઠવલેને રાજ્યમાં મહાયુતિ ક્યાં ઍડ્જસ્ટ કરશે એવો સવાલ ઊભો થયો છે.
મુંબઈની વાત કરીએ તો અત્યારે અહીંની છ બેઠકમાંથી ત્રણ બીજેપી પાસે, બે એકનાથ શિંદે જૂથ પાસે અને એક ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે છે. ઉત્તર મુંબઈ, ઉત્તર પૂર્વ મુંબઈ અને ઉત્તર મધ્ય મુંબઈની બેઠક બીજેપી પાસે છે તો મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ દક્ષિણ મધ્યની બેઠક એકનાથ શિંદે જૂથ અને દક્ષિણ મુંબઈની બેઠક ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે છે.
શિવસેનામાં ઐતિહાસિક ભંગાણ થયા બાદ મુંબઈની ત્રણ બેઠકમાંથી બે બેઠક મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે પાસે અને એક બેઠક મહાવિકાસ આઘાડીમાં સામેલ ઉદ્ધવ ઠાકરે પાસે છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે એટલે દક્ષિણ મુંબઈ અને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠકો બીજેપી પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિશે બીજેપીના એક વરિષ્ઠ નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રામદાસ આઠવલેએ મુંબઈમાં લોકસભાની એક બેઠક માગી છે ત્યારે ભલે તેમને કહેવામાં આવ્યું હોય કે આગામી ચૂંટણીમાં બીજેપી ચાર અને એકનાથ શિંદેની સેના બે બેઠક લડશે એ નક્કી કરી દેવામાં આવ્યું છે એટલે તમારા માટે કોઈ ચાન્સ નથી. જોકે બીજેપી ચાર નહીં પણ પાંચ બેઠક લડવા માટેના પ્રયાસ કરી રહી છે. દિક્ષણ મુંબઈ ઉપરાંત ઉત્તર પશ્ચિમની ગજાનન કીર્તિકરની બેઠક મેળવવા માટે એકનાથ શિંદે સાથે વાતચીત કરવામાં આવી રહી છે. વાતચીત સફળ રહેશે તો મુંબઈમાં પહેલી વખત બીજેપી ત્રણ-ચાર નહીં પણ પાંચ લોકસભા બેઠક માટે લડશે. એકનાથ શિંદેની શિવસેનાને રાહુલ શેવાળેની બેઠક ફાળવાશે.’
ઉલ્લેખનીય છે કે મુંબઈની છ લોકસભા બેઠકમાં અત્યારે બીજેપીના ગોપાલ શેટ્ટી, મનોજ કોટક અને પૂનમ મહાજન, એકનાથ શિંદે જૂથના રાહુલ શેવાળે અને ગજાનન કીર્તિકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના અરવિંદ સાવંત સાંસદ છે.