24 May, 2023 11:39 AM IST | Mumbai | Sameer Surve
એમ. બી. રાઉત માર્ગ રોડ-નંબર બે પર ફરીથી રિપેર કરવામાં આવી રહેલી ફુટપાથ (તસવીર : અનુરાગ અહિરે)
બૉમ્બે હાઈ કોર્ટે ખરાબ ફુટપાથ માટે મુંબઈ સુધરાઈના ઘણી વખત કાન આમળ્યા છે. જોકે પહેલાં સમારકામ અને ફરી પાછું ખોદકામની નીતિ સુધરાઈએ યથાવત્ રાખી છે. આવી જ ઘટના તાજેતરમાં દાદર-વેસ્ટના શિવાજી પાર્ક વિસ્તારમાં બની છે. એમ. બી. રાઉત માર્ગ પરના રોડ-નંબર બે પર થોડા મહિના પહેલાં સૌંદર્યકરણના નામે ફુટપાથ રિપેર કરાઈ હતી. જોકે તાજેતરમાં સુધરાઈએ એક પ્રાઇવેટ કંપનીને યુટિલિટી માટે ફુટપાથ ખોદવાની મંજૂરી આપી છે. આમ ફરીથી ફુટપાથને રિપેર કરવી પડશે. સ્થાનિક લોકોએ આરોપ મૂક્યો હતો કે ખરાબ રીતે કામ કરાશે તો ચોમાસામાં મુશ્કેલી વધશે.
સ્થાનિક રહેવાસી ઉદય સાવંતે કહ્યું હતું કે ‘રિપેરિંગ સરખી રીતે થયું નથી એ નરી આંખે જોઈ શકાય છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિનિયર સિટિઝનો રહે છે. જો ફુટપાથ સારી નહીં હોય તો તેમને ઘણી મુશ્કેલી થશે.’
દાદર-વેસ્ટના અન્ય વિસ્તારોમાં પણ આવી જ હાલત છે. રાનડે રોડ પરની ફુટપાથનું એક વર્ષ પહેલાં જ સમારકામ કરાયું હતું. થોડા દિવસ પહેલાં એક ખાનગી કંપનીના ફાઇબર ઑપ્ટિક કેબલ નાખવા માટે ફુટપાથનો ૩૦૦ મીટર લાંબો પૅચ ખોદવામાં આવ્યો હતો. ઘણી ફરિયાદ બાદ સોમવારે રાત્રે એનું સમારકામ કરવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસી સચિન સાળીએ એવો આક્ષેપ મૂક્યો છે કે સમારકામ સરખી રીતે થયું નથી.
દરમ્યાન સુધરાઈના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે ઇમર્જન્સી કામ માટે ફુટપાથને ફરીથી ખોદવી પડી છે અને આ કામ ટાળી શકાય એવું નહોતું.