11 February, 2024 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રેનો અધવચ્ચે અટકી જતાં ગઈ કાલે સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓએ રેલવેના પાટા પર ચાલવું પડ્યું હતું.
સેન્ટ્રલ અને હાર્બર લાઇનની અનેક લોકલ ટ્રેનો ગઈ કાલે સાંજે ધસારાના સમયે જ અચાનક અટકી પડતાં હજારો પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. શુક્રવારે એક મોટરમૅનનું મૃત્યુ વધુ પડતા કામના દબાણને કારણે ટ્રેનઅકસ્માતમાં થવાથી મોટરમેનોના યુનિયને ઓવરટાઇમ કરવાની ના પાડતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સેન્ટ્રલ અને હાર્બર લાઇનની ટ્રેનો ગઈ કાલે બપોરથી અટકી પડી હતી. એને લીધે સાંજે ઘરે જવા માટે નીકળેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. લાંબા સમય સુધી ટ્રેનો રેલવે સ્ટેશનો અને તેમની વચ્ચે ઊભી રહેતાં લોકોએ પાટા પર ચાલવું પડ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
શુક્રવારે સેન્ટ્રલ રેલવેના મોટરમૅન મુરલીધર શર્માનું મૃત્યુ ટ્રેન-ઍક્સિડન્ટમાં થયું હતું. તેણે વધુ પડતા કામના દબાણને લીધે સિગ્નલ જમ્પ કરતાં આત્મહત્યા કરી હોવાનો આરોપ સેન્ટ્રલ રેલવે મઝદૂર યુનિયને રેલવે પર મૂક્યો છે. આ ઘટનાથી યુનિયને રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કરીને હવેથી કોઈ મોટરમૅન ઓવરટાઇમ નહીં કરે એવું બોર્ડ ગઈ કાલે સીએસએમટી રેલવે સ્ટેશનના મોટરમેનોના રેસ્ટરૂમમાં લગાવ્યું હતું.
આથી ગઈ કાલે સેન્ટ્રલ રેલવેના મોટરમેન કામ પર ચડ્યા હતા, પરંતુ તેમની ડ્યુટીનો સમય પૂરો થઈ ગયા બાદ તેમણે ઓવરટાઇમ ન કરવાનો નિર્ણય લીધો હતો અને કામ બંધ કરી દીધું હતું. આને કારણે ગઈ કાલ બપોર બાદ સેન્ટ્રલ અને હાર્બર રેલવે લાઇનની કેટલીક ટ્રેનો અટકી પડી હતી. આ સિવાય રેલવેએ ૧૦૦ જેટલી ટ્રેન-સર્વિસ રદ કરવાથી પણ ટ્રેનવ્યવહારને અસર પડી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે મૃત્યુ પામેલા મોટરમૅન મુરલીધર શર્માની અંતિમક્રિયા તેમના પરિવારે સાંજના સાડાપાંચ વાગ્યે રાખી હતી, જેમાં સામેલ થવા માટે અનેક મોટરમેન તેમની ડ્યુટી પૂરી થયા બાદ મુરલીધર શર્માના ઘરે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.