વિરાર જતી લોકલ ભાઈંદર અને મીરા રોડ વચ્ચે બંધ પડી

26 June, 2023 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક બાજુ જોરદાર વરસાદ અને બીજી બાજુ રાતે ટેક્નિકલ ખરાબીને કારણે ટ્રેન અટકી જતાં પ્રવાસીઓએ જીવના જોખમે મોબાઇલની લાઇટના સહારે ટ્રૅક પર ચાલીને સ્ટેશન સુધી જવું પડ્યું

ભાઈંદર સ્ટેશન પર આવી રહેલા બેથી ત્રણ ટ્રેનના પ્રવાસીઓ

મુંબઈમાં વરસાદનું આગમન થવાની સાથે મુંબઈગરાઓની હાલત કફોડી થવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વખતે તો પહેલા જ વરસાદમાં લોકોએ અનેક તકલીફોમાંથી પસાર થવું પડ્યું હતું. શનિવારે રાતના જોરદાર વરસાદ અને બીજી બાજુ રાતના બાર વાગ્યાની આસપાસ વિરાર જતી લોકલ ટ્રેનમાં ટેક્નિકલ ખરાબી સર્જાતાં પ્રવાસીઓએ અંધારામાં નાછૂટકે રેલવે ટ્રૅક પર મોબાઇલની લાઇટના સહારે ચાલીને જવું પડ્યું હતું.

મુંબઈમાં શનિવારથી વરસાદનું યોગ્ય રીતે આગમન થયું હતું અને અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયાં હતાં. જોકે વરસાદમાં રાતના સમયે થાકીને ઘરે જઈ રહેલા પ્રવાસીઓ ટ્રેન અટવાઈ જતાં પરેશાન થઈ ગયા હતા. શનિવારે રાતે બાર વાગ્યાની આસપાસ પ્રવાસીઓનાં ટોળાં ભાઈંદર સ્ટેશન પર આવી રહ્યાં હતાં એમ કહેતાં દહિસરમાં એક ફૅક્ટરીમાં કામ કરતા અને ભાઈંદરમાં રહેતાં મહેશ સોનીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વરસાદનો હજી પહેલો દિવસ હતો. એમાં વિરાર જતી ટ્રેનમાં ટેક્નિકલ ખરાબી થતાં અડધા કલાકથી વધુ સમયથી એ ટ્રૅક પર ઊભી હતી. એને કારણે પાછળની બેથી ત્રણ ટ્રેન પણ ટ્રૅક પર ઊભી રહી ગઈ હતી. પ્રવાસીઓ લાંબો સમય ઊભા રહ્યા, પરંતુ ટ્રેન શરૂ ન થતાં ટ્રૅક પર ચાલીને જવા પર મજબૂર થયા હતા. વરસાદ અને રાતના અધારું હોવાથી લોકો મોબાઇલની ટૉર્ચથી ટ્રૅક પર જીવ જોખમમાં નાખીને ચાલતા હતા. એને કારણે પાછળથી આવતી તમામ ટ્રેનોમાં ચડવા પણ ન મળે એટલી ભીડ હતી. લોકો ચાલીને ભાઈંદર સ્ટેશન પર આવી રહ્યા હતા. વરસાદના સમયે બે-ત્રણ લોકલના પ્રવાસીઓ ચાલીને જતા હતા. રાતના સમયે ટ્રેનો આમ પણ મોડી જ દોડે છે અને સિગ્નલને કારણે અટકી-અટકીને જતી હોય છે. એવામાં હવે રાતના સમયે ટેક્નિકલ ખરાબી પણ આવવા લાગી છે.’

mira road bhayander virar mumbai local train mumbai rains mumbai monsoon