કરોડો રૂપિયાના સ્કૅમમાં ધરપકડ કરાયેલા કોચર દંપતીએ કરી હાઈ કોર્ટમાં અરજી

28 December, 2022 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ તેમની ધરપકડ ગેરકાયદે કરી છે

પ્રતીકાત્મક તસવીર

વિડિયોકૉન ગ્રુપને ૨૦૦૯થી ૨૦૧૧ દરમ્યાન કરોડો રૂપિયાની લોન આપવાના કેસમાં સીબીઆઇએ પકડેલાં આ​​ઇસીઆઇસીઆઇ બૅન્કનાં ભૂતપૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક 
કોચરના વકીલે મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે સીબીઆઇએ તેમની ધરપકડ ગેરકાયદે કરી છે. જોકે કોર્ટે તેમણે કરેલી અરજી પર તરત જ સુનાવણી લેવાનું ટાળ્યું છે અને કોર્ટની વેકેશન બાદ ખૂલનારી રેગ્યુલર બેન્ચ સામે એ અરજી લેવાશે એમ જણાવ્યું છે. કોચર દંપતીના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘તેમની ધરપકડ કરતાં પહેલાં આગોતરી મંજૂરી મેળવવી જરૂરી હતી જે મેળવવામાં આવી નથી. એથી તેમની ધરપકડ ગેરકાયદે કરાયેલી છે.’

સીબીઆઇએ એવો આરોપ કર્યો છે કે ૨૦૦૯માં વેણુગોપાલ ધૂતે વિડિયોકૉન ઇન્ટરનૅશનલ ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડના નામે આઇસીઆઇસીઆઇ બૅન્કમાંથી ૩૦૦ કરોડ રૂપિયાની લોન પાસ કરાવવા કોચર દંપતીને ૬૪ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. ૨૦૧૮માં જ્યારે આ બાબતનો પર્દાફાશ થયો ત્યારે ચંદા કોચરને સીઈઓના પદેથી હટી જવું પડ્યું હતું. વેણુગોપાલ ધૂતની અનેક વાર પૂછપરછ કરાઈ હતી. જોકે એ પછી તેમણે એ લોન મેળવવા કોચર દંપતીને લાંચ આપી હોવાના દસ્તાવેજી પુરાવા મળી આવ્યા બાદ આખરે સીબીઆ​ઇએ તેમની ધરપકડ કરી હતી. 

mumbai mumbai news bombay high court