છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ કહ્યું...આ નહીં, તે નહીં એવું ન ચાલે

20 July, 2024 11:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ કહીને છત્રપતિ શિવાજી મહારાજની સર્વધર્મ સમભાવની નીતિથી રાજ કરવાની સલાહ આપી

ઉદયનરાજે ભોસલે

છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ અને સાતારા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય ઉદયનરાજે ભોસલેએ ગઈ કાલે સાતારામાં છત્રપતિના લંડનથી લાવવામાં આવેલા વાઘનખ જનતા જોઈ શકે એ ગૅલરીનું ઉદ્ઘાટન કરતી વખતે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજે લોકશાહીનો ઢાંચો તૈયાર કર્યો ત્યારે તેમણે સર્વધર્મ સમભાવની નીતિ અમલમાં મૂકી હતી. આવી જ રીતે આ નહીં અને તે નહીં એવું રાજકારણમાં ન હોવું જોઈએ. અહીં મુખ્ય પ્રધાનની સાથે બન્ને નાયબ મુખ્ય પ્રધાન હાજર છે. તેમને મારે કહેવું છે કે રાજ્ય સરકાર વતી છત્રપતિનું એક અધિકૃત પુસ્તક પ્રકાશિત કરવું જોઈએ. છત્રપ‌તિ વિશે ઘણા વાદ-વિવાદ થઈ રહ્યા છે એ ટાળવા જોઈએ. આવું કરનારાઓને મારે કહેવું છે કે મહેરબાની કરીને છત્રપતિને બદનામ ન કરો. છત્રપતિ પાસે અનેક વાઘનખ હતા એમાંના એક વાઘનખ આજે અહીં મૂકવામાં આવ્યા છે.’

ઉલ્લેખનીય છે કે સત્તાધારી BJP અને સાથી પક્ષોમાં મુસ્લિમ નેતાનું પ્રમાણ ઘણું ઓછું છે જેને લીધે આ ધર્મના મત સત્તાધારી પક્ષોને બદલે કૉન્ગ્રેસ સહિતના વિવિધ પક્ષોને જાય છે. એને લીધે સત્તાધારીઓને મોટું નુકસાન થયું હોવાનું તાજેતરની લોકસભા સહિતની ચૂંટણીઓમાં જણાઈ આવ્યું છે. આથી છત્રપતિ ઉદયનરાજેએ સત્તાધારી પક્ષોને જેઓ મતદાન કરવાથી દૂર રહે છે 
તે લોકોને પણ સાથે લેવાનો મેસેજ આપ્યો છે.

mumbai news mumbai bharatiya janata party london satara